(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે મોદી સરકાર અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, તેમને કેન્દ્રની મોદી સરકાર પર એ બાબતને લઈને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તે ભારતની આર્થિક કટોકટીનો સામનો કરવા માટે નક્કર પગલાં લેશે. આમ આદમી પાર્ટી (આપ)ના નેતાએ કહ્યું કે, આ સમય એ દેશ માટે એક જૂટ થઈને ઊભા રહેવાનો તથા અર્થવ્યવસ્થાનો સુધારો કરવા માટેનો છે. કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થામાં સુધારો લાવવા માટે જે પણ પગલાં લેશે, તેને દિલ્હી સરકાર દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવશે.” કેજરીવાલે કહ્યું કે, “આર્થિક કટોકટી ઉપરાંત વ્યક્તિગત રીતે હું નોકરીઓના સર્જનમાં થયેલા ઘટાડાને કારણે ચિંતાતૂર છું. આ એક ગંભીર ચિંતાનો વિષય છે. ખાસ કરીને વાહન ક્ષેત્ર, કાપડ ક્ષેત્ર, રિયલ એસ્ટેટ અને અન્ય ક્ષેત્રોમાં આ બાબતની સૌથી વધુ અસર પડી છે.” નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવકુમારે આપેલા નિવેદન બાદ કેજરીવાલનું આ નિવેદન સામે આવ્યું છે કે, જેમાં તેમણે કહ્યું હતું કે, “ભારતે છેલ્લા ૭૦ વર્ષમાં અર્થવ્યવસ્થા અંગે આટલી ખરાબ પરિસ્થિતિનો સામનો કયારેય નથી કર્યો.”