(એજન્સી) નવી દિલ્હી, તા.૪
દિલ્હીમાં ૧૬ ડિસેમ્બરથી કેજરીવાલ સરકાર ફ્રી વાઈફાઈ યોજના શરૂ કરી રહી છે. ર૦૧પમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીએ ફ્રી વાઈફાઈની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, ઈન્ટરનેટ બેઝીક જરૂરિયાત છે. દિલ્હીમાં ફ્રી ઈન્ટરનેટ કરીએ છીએ. તે સાથે જ ચૂંટણીના તમામ વાયદા પૂરા થયા છે. ૧૬ ડિસે.થી આ યોજના શરૂ થઈ જશે. દિલ્હીમાં ૧૦૦ વાઈફાઈ હોટસ્પોટ ચાલુ કરાશે. ૧૧ હજાર હોટસ્પોટ લગાવવાની યોજના છે. ૪ હજાર બસસ્ટેશનોએ અને ૭ હજાર દિલ્હીમાં લગાવાશે. તેની પાછળ કુલ ૧૦૦ કરોડ ખર્ચ થશે. પહેલાં હપ્તે કુલ ૧૦૦ હોટસ્પોટ ચાલુ થશે ત્યારબાદ દર સપ્તાહે પ૦૦ હોટસ્પોટ લગાવાશે. દર અડધા કિ.મી.એ હોટસ્પોટ મળશે. દરેક વ્યક્તિને ૧પ જીબી દર મહિને મફત ડેટા મળશે. રોજ ૧.પ જીબી ખર્ચ કરી શકશે. સ્પીડ વધુમાં વધુ ર૦૦ એમબીપીએસ અને ઓછામાં ઓછી ૧૦૦ હશે. એક હોટસ્પોટ પર ૧૦૦ લોકો ઈન્ટરનેટ વાપરી શકશે તેથી એપ બનાવાયા છે. હોટસ્પોટ કનેકટ કરવા કેવાયસી આપવું પડશે. પછી ફોનમાં ઓટીપી આપશે. પછી વાઈફાઈ કનેકટ થશે. ત્યારબાદ ઓટો કનેકટ થશે. હાલમાં ટેલિકોમ કંપનીઓએ તેમના રેટ વધાર્યા છે ત્યારે વાઈફાઈ ફ્રી સેવા દિલ્હીવાસીઓ માટે મહત્ત્વની છે.