(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
દિલ્હીની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી(આપ)એ સપાટો બોલાવતા કુલ ૭૦માંથી ૬૨ બેઠકો પર ભવ્ય જીત મેળવી છે. આ પહેલા ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીઓમાં તેણે ૬૭ બેઠકો પર વિજય મેળવ્યો હતો. ભાજપે ૫૫ બેઠકો પર પોતાની જીતનો વિશ્વાસ દર્શાવ્યો હતો પરંતુ તેને માત્ર આઠ બેઠકોથી સંતોષ કરવો પડ્યો હતો જ્યારે બીજી તરફ કોંગ્રેસને ગઇ વખતની જેમ ફરીવાર એક પણ બેઠક મળી નથી. આ પરિણામને અનેક રાજકીય નેતાઓએ ભાગલાવાદી રાજકારણની હાર ગણાવી હતી. દિલ્હી ચૂંટણી પ્રચાર ઉચ્ચસ્તરે ધ્રુવિકરણમાં બદલાઇ ગયું હતું, જેમાં હિંસા અને નફરતભરી વાણીનો ભરપૂર ઉપયોગ પણ થયો હતો. ભાજપે સીએએ વિરોધી પ્રદર્શન સ્થળ શાહીનબાગને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીએ સ્વાસ્થ્ય, શિક્ષણ, મફત વિજળી અને પાણી જેવા મુદ્દાઓ પર લોકો પાસે મતો માગ્યા હતા.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જીત બાદ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીની જીતે નવા પ્રકારની રાજનીતિના સંકેત આપ્યા છે. આપની ઓફિસ બહાર એક વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું કે, દિલ્હીના લોકોએ શાળાઓ, મોહલ્લા ક્લિનિક, ૨૪ કલાક વિજળી અને મફત પાણી માટે મતદાન કરીને એક સંદેશ આપી દીધો છે. દેશ માટે આ મોટો સંદેશ છે.
૨. અરવિંદ કેજરીવાલે ત્યારબાદ જીતની ઉજવણીના ભાગરૂપે આપની ઓફિસથી લઇને હનુમાન મંદિર સુધી રોડ શોનું આયોજન કર્યું હતું. લાઇવ ટીવી પર હનુમાન ચાલીસા વાંચ્યા બાદ ભાજપ દ્વારા મજાકના પાત્ર બનાવાયેલા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે મંગળવાર છે અને હનુમાનજીનો દિવસ છે. તેમણે પહેલા જ કહ્યુ હતું કે, તેઓ ચૂંટણીના પરિણામ બાદ મંદિરની મુલાકાત લેશે.
૩. આપના મુખ્ય નેતાઓ ડેપ્યુટી મુખ્યમંત્રી મનિષ સિસોદિયા, આતિશી અને રાઘવ ચડ્ડા ભારે ઉતાર ચડાવ બાદ જીતવામાં સફળ રહ્યા હતા. ભારે રસાકરીભરી ગણતરી બાદ સિસોદિયા ૨૦૦૦થી વધુ મતોના ઓછા અંતરથી જીત્યા હતા, તેમણે પોતાના કટ્ટર હરીફ ભાજપના રવિન્દરસિંહ નેગીને હરાવ્યા હતા.
૪. કેટલાક મતોથી પાછળ રહ્યા બાદ પહેલા હતાશ બનેલા આતિશી આખરે ૧૦ હજાર કરતા વધુ મતોથી જીત્યા હતા. તેમણે બાદમાં કહ્યું હતું કે, મારા મતે દિલ્હીના લોકોે નક્કી કરી રાખ્યું હતું. તેમના મગજમાં એક જ નામ ચાલતું હતું અને તે કેજરીવાલ હતું. અંતે તેમણે વિકાસના નામે મતદાન કર્યું છે.
૫. આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન ઓખલામાંથી જીતી ગયા હતા જ્યાં શાહીનબાગ અન જામિયા યુનિવર્સિટી આવેલા છે અને આ સ્થળો સીએએ વિરોધી પ્રદર્શનોના હબ બની રહ્યા છે. ભાજપના પ્રમુખ અમિત શાહની મજાક ઉડાવતા તેમણે કહ્યું કે, ઓખલાની જનતાએ કરંટ લગાવી દીધો છે.
૬. અનેક વિપક્ષી નેતાઓએ પણ કેજરીવાલને અભિનંદન આપતા કહ્યું હતું કે, પરિણામે સ્પષ્ટ કરી દીધું છે કે, દિલ્હી દ્વારા ભાજપની બ્રાન્ડ પોલિટિક્સને નકારી દેવાઇ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ભાજપની તાકાત, નાણા અને એજન્સીઓ પણ કોઇ કામમાં ના આવી. તેઓ ખરેખર ડૂબી ગયા છે. તેઓ કચડાઇ ગયા છે. સમગ્ર ભારતમાં તેમનું સામ્રાજ્ય ડૂબી રહ્યું છે.
૭. શાહીનબાગ દેખાવ મુદ્દે મતદારોનું ધ્રુવિકરણ કરવાનો ભાજપ આરોપ મુકનારા આપે કહ્યું કે, પરિણામોએ સાબિત કરી દીધું કે, ખરો રાષ્ટ્રવાદ લોકો માટે કામ કરે છે. મનિષ સિસોદિયો જણાવ્યું હતું કે, અમારી જીતે પુરવાર કર્યું છે કે, જો રાજકારણમાં તમને તક મળે તો આ ખરો રાષ્ટ્રવાદ છે. તમારે લોકો માટે કામ કરવું જ પડે. શિક્ષણ અને હોસ્પિટલો માટેનું કામ. દિલ્હીએ સાબિત કર્યું છે કે, જો સરકાર સંવેદનશીલ રીતે કામ કરે તો તે જીતી શકે છે.
૮. ગયા વર્ષે ભાજપ સાથે પોતાનું ૩૫ વર્ષ જુનું ગઠબંધન તોડનારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, દિલ્હીના પરિણામે સાબિત કર્યું છે કે, દેશ જનકી બાતથી ચાલે છે, મન કી બાતથી નહીં. તેમણે વડાપ્રધાન મોદી દ્વારા ચલાવાતા માસિક રેડિયો કાર્યક્રમ પર કટાક્ષ કર્યો હતો.
૯. ગત લોકસભા ચૂંટણીઓમાં દિલ્હીની સાતેય બેઠકો પર જીત મળ્યા બાદ ભાજપે દિલ્હી વિધાનસભામાં પણ શાનદાર પ્રદર્શનની આશા રાખી હતી. ચૂંટણી પ્રચારમાં પાર્ટીએ ૨૭૦ સાંસદો, ૭૦ કેન્દ્રીય મંત્રીઓ અને કેટલાક રાજ્યોના પાર્ટીના મુખ્યમંત્રીઓને પ્રચાર માટે ઉતાર્યા હતા. ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડોર-ટુ-ડોર પ્રચાર કરીને કાર્યકરોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
૧૦. નાગરિકતા સુધારા કાયદો, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ જેવા વિવાદાસ્પદ કાયદા મુદ્દે દેખાવોના ઓછાયા વચ્ચે યોજાયેલી ચૂંટણીઓનો પ્રચાર બે મહિના સુધી ભાગલાવાદી રહ્યો હતો અને અનેક નેતાઓએ બફાટ કર્યો હતો. ભાજપના એક નેતાએ આ મુદ્દે ‘ગોલી મારો’ના નારા લગાવ્યા જ્યારે કેન્દ્રીય મંત્રીઓએ કેજરીવાલને આતંકવાદી ગણાવ્યા હતા.

આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્ર નિર્માણના રસ્તે : કેમ્પેઇન શરૂ કર્યું

આમ આદમી પાર્ટીના પાર્ટી કાર્યાલય પર મંગળવારે નવુ પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટરમાં લખ્યું છે રાષ્ટ્ર નિર્માણ માટે આપ સાથે જોડાઓ, જોડાવવા માટે મિસ કૉલ કરો ૯૮૭૧૦૧૦૧૦૧. ભાજપના નક્શે કદમ પર ચાલતા આપે હવે રાષ્ટ્ર નિર્માણને મોટો મુદ્દો બનાવશે અને આ માટે સરકાર બનાવ્યા બાદ મોટા કેમ્પેઈનની શરૂઆત કરશે. આની ઝલક આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટોમાં પણ જોવા મળી હતી. આપના મેનિફેસ્ટોમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એલાન કર્યું હતું કે જો આપની સરકાર બનશે તો સરકારી શાળામાં શરૂ કરવામાં આવેલી હેપિનેસ કરિકુલમ અને આંત્રપિન્ચોરશિપ કરિકુલમની સફળતા બાદ દેશભક્તિ અભ્યાસ ક્રમ લાવવામાં આવશે.

કેજરીવાલની રાજકીય સફર

* દિલ્હીના સાતમાં મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત ડિસેમ્બર ૨૦૧૩થી ફેબ્રુઆરી ૨૦૧૪ સુધી સત્તામાં રહ્યાં. બીજી વખત ફેબ્રુઆરી ૨૦૧૫માં ફરી ચૂંટણી જીતીને તેઓ સીએમ બન્યાં.
* પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ ૭૦માંથી ૨૮ બેઠક જીતી હતી. એ વખતે કૉંગ્રેસના સહયોગથી સરકાર બનાવવી પડી હતી. પરંતુ ફેબ્રુઆરી ૨૦૧૪માં અરવિંદ કેજરીવાલે રાજીનામું આપી દીધું હતું.
* વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં લોકોએ અરવિંદ કેજરીવાલનું કદ ખૂબ વધારી દીધું હતું. આ ચૂંટણીમાં દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકમાંથી આમ આદમી પાર્ટીએ ૬૭ બેઠક જીતી લીધી હતી. બીજેપીએ ફક્ત ત્રણ બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો. કૉંગ્રેસે આ ચૂંટણીમાં ખાતું પણ ખોલાવ્યું ન હતું.

દિલ્હીના ચૂંટણી ચુકાદાએ રાષ્ટ્રવાદનો સાચો મતલબ સમજાવ્યો છે : મનિષ સિસોદિયા

પોતાના ચૂંટણી ચુકાદા દ્વારા દિલ્હીવાસીઓએ રાષ્ટ્રવાદનો સાચો મતલબ સમજાવ્યો છે, એમ આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું. સિસોદિયાનો પતપરગંજ બેઠક પર જ્વલંત વિજય થયો હતો. સતત ત્રીજી વખત ચૂંટણી જીતનારા સિસોદિયાએ જણાવ્યું હતું કે, નફરતના રાજકારણમાં ભાજપનો પરાજય થયો છે. મતદારોએ ભાગલાવાદી નીતિને નકારી કાઢી છે. સિસોદિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ચૂંટણીમાં વિજય બદલ મને ખૂબ ખુશી થઈ છે. દિલ્હીના લોકોએ આજે તેમની માટે કામ કરનારી સરકારને વિજય બનાવી છે. તેમજ દિલ્હીના લોકોએ રાષ્ટ્રવાદના સાચા મતલબનો ખુલાસો કર્યો છે. સિસોદિયાએ ભાજપના ઉમેદવાર રવિન્દરસિંહને ૩પ૦૦ મતોથી પરાજય આપ્યો હતો. આરંભિક મતગણતરીમાં સિસોદિયા અને સિંહ વચ્ચે નજીકની ટક્કર જણાવી હતી. ર૦૧૩માં સિસોદિયાનો ૧૧૦૦૦ જ્યારે ર૦૧પમાં ર૮ હજાર મતોથી વિજય થયો હતો.