(એજન્સી) નવી દિલ્હી, ૧ર
અરવિંદ કેજરીવાલ ૧૬ ફેબ્રુઆરીના રોજ સતત ત્રીજી વાર દિલ્હીની સત્તા સંભાળશે. દિલ્હીના રામલીલા મેદાન પર આયોજિત શપથવિધિ સમારોહમાં તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ હોદ્દો અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ દ્વારા કેજરીવાલને સરકાર રચવાનું સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું છે. કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના કેટલાક મુખ્યમંત્રીઓ અને નેતાઓ પણ હાજર રહીને વિપક્ષી એક્તાનો સંદેશો આપી શકે છે. વહીવટીતંત્ર દ્વારા સમારોહની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આપ પાર્ટીના અનેક ધારાસભ્યોએ વેલેન્ટાઇન ડે ૧૪ ફેબ્રુઆરીએ શપથ ગ્રહણનનું સૂચન કર્યું હતું. પરંતુ છેવટે ૧૬ ફેબ્રુઆરી પર સહમતિ સધાઇ હતી. આ અંગેની જાહેરાત કરતા ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, દિલ્હીમાં પ્રથમવાર કામની રાજનીતિને સન્માન મળ્યું છે. દિલ્હીએ નફરતની રાજનીતિને નકાર્યું છે અને સતત બીજીવાર બંપર જીત અપાવી છે. રાજનીતિનો વિકાસ મોડલ કેજરીવાલ પાસે છે. લોકોને સસ્તી વિજળી આપવી, પાણી પુરૂં પાડવું એ જ સાચી દેશભક્તિ છે. દિલ્હીની જનતાએ કેજરીવાલને પોતાના દિકરા તરીકે મહોર મારી છે અને તેમણે નફરતને જાકારો આપ્યો છે. ચૂંટણીમાં અમારી વિરૂદ્ધ ઘણી નફરત ફેલાવાઇ હતી. ૮મીએ યોજાયેલી દિલ્હી વિધાનસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ૭૦માંથી ૬૨ બેઠકો સાથે જંગી બહુમતિ મેળવનાર આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે બુધવારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે સત્તાવાર મુલાકાત કરીને બહુમતિ દર્શાવીને સરકાર રચવા માટેના આમંત્રણ અંગે રજૂઆત કરી હતી. આ બેઠક બાદ જાહેર થયા પ્રમાણે, કેજરીવાલ ૧૬ ફેબ્રુઆરીના રોજ રામલીલા મેદાન પર આયોજિત કાર્યક્રમમાં સતત ત્રીજીવાર સીએમ પદના શપથ ગ્રહણ કરશે. ગઇ વખતે ૨૦૧૫માં પણ તેમણે રામલીલા મેદાન પર જ શપથ ગ્રહણ કર્યા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણી-૨૦૨૦માં ભાજપને પરાસ્ત કરનાર અને ભારે બહુમતી સાથે જીતનાર આપ પાર્ટીના ધારાસભ્યોની એક બેઠકમાં આજે યોજાઇ હતી જેમાં કેજરીવાલ સંસદિય પક્ષના નેતા તરીકે જાહેર થયા હતા. આમ આદમી પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે, ‘ધારાસભ્યોની એક બેઠકમાં સરકાર રચના અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ટીના નિર્ણયો માટે તમામ ધારાસભ્યોના વિચાર જરૂરી છે.’તે નવનિયુક્ત ધારાસભ્યો એક પછી એક કેજરીવાલના આવાસ પર પહોંચ્યા હતા. આ પહેલા, મંગળવારે ઉપરાજ્યપાલ બૈજલે ટ્‌વીટ કરીને કેજરીવાલને જીતને શુભેચ્છા પાઠવી હતી. ગઇકાલે મંગળવારે થયેલી મતગણતરીમાં આમ આદમી પાર્ટીને ૭૦માંથી ૬૨ બેઠકો મળી હતી અને ભાજપને માત્ર ૮ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસને આ વખતે પણ એક પણ બેઠક મળી શકી નહોતી.