નવી દિલ્હી, તા.૧૪
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ૧૬ ફેબ્રુઆરીના આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. હવે શપથ ગ્રહણ સમારંભમાં કોને-કોને આમંત્રણ અપાશે તેના પર સૌની નજર છે. શું કેજરીવાલ પીએમ નરેન્દ્ર મોદીને શપથવિધિમાં હાજર રહેવા આમંત્રણ આપશે કે નહીં તેની અટકળોનો અંત આવી ગયો છે. કેજરીવાલની શપથવિધિ માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત કરવામાં આવ્યા છે. જો કે વડાપ્રધાન મોદી રવિવારે તેમના મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેવાના છે. ત્યાં તે ૩૦થી વધુ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આમ ૧૬ ફેબ્રુઆરીએ વડાપ્રધાન દિલ્હીમાં નથી.આમ આદમી પાર્ટીને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સતત બીજી ટર્મમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે. આ વખતે આપનો ૬૨ બેઠક પર વિજય થયો છે જ્યારે ભાજપને ફક્ત આઠ બેઠકો જ મળી છે અને કોંગ્રેસને ૨૦૧૫ની જેમ શૂન્ય બેઠક મળી છે. વડાપ્રધાન મોદીએ દિલ્હી ચૂંટણી પરિણામ બાદ કેજરીવાલને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હું આશા કરું છું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીવાસીઓની અપેક્ષાઓને પૂર્ણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા બાદ કેજરીવાલે પણ તેમનો આભાર માન્યો હતો. કેજરીવાલે કેન્દ્ર સાથે મળીને કામ કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.
અરવિંદ કેજરીવાલે રવિવારે યોજાનાર શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું

Recent Comments