નવી દિલ્હી, તા.૩
દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલે ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલને સમર્થન આપ્યું. હાર્દિક પટેલ છેલ્લા ૧૦ દિવસથી પોતાની માગણીઓને લઈ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. એમની મુખ્ય માગણીઓમાં પટેલો માટે અનામત અને ખેડૂતોના દેવા માફ કરવાની કેજરીવાલે ટ્‌વીટ કરી લખ્યું ખેડૂતોના દેવા માફ થવા જ જોઈએ. હાર્દિક પટેલ ખેડૂતોનું કારણ લઈ લડી રહ્યા છે. સમગ્ર ખેડૂતો અને સમાજ એમની સાથે છે. એમનો પરિશ્રમ વ્યર્થ નહીં જાય ભગવાન એને શક્તિ આપે. હાર્દિક પટેલે એમની ભૂખહડતાળ એમણે અનામત માટે શરૂ કરાયેલા આંદોલનની ત્રીજી વરસીના દિવસથી શરૂ કરી છે. ત્રણ વર્ષ પહેલા એમણે અમદાવાદમાં અનામતની માગણી લઈ ખૂબ જ મોટી રેલી કાઢી હતી જે પછીથી હિંસક બની હતી. જુદા જુદા પક્ષોના નેતાઓ જેમાં તૃણમૂલ કોંગ્રેસ, એન.સી.પી., રાષ્ટ્રીય જનતા દળના નેતાઓ છે એમણે હાર્દિકની મુલાકાત લીધી છે અને પોતાનું સમર્થન આપ્યું છે. જો કે ભાજપ સરકારે હજી સુધી કોઈ પ્રતિસાદ આપ્યો નથી. સરકારી હોસ્પિટલના ડૉકટરે હાર્દિક પટેલને આજે તપાસ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ થવા સલાહ આપી હતી. રવિવારે એમણે સરકારની મેડિકલ ટીમને પોલીસે કરેલ લાઠીચાર્જના વિરોધમાં પોતાના ઘરેથી પાછા વાળ્યા હતા.