(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૪
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પડકાર્યા છે.તેમણે કહ્યું છે કે તેઓ શાહને રામલીલા મેદાનમાં દિલ્હીની જનતાની સામે જાહેરમાં ચર્ચા કરવા માટે પડકારે છે. ટ્‌વીટ કરીને કેજરીવાલે તેમ પણ કહ્યું છે કે અમિત શાહ, જેટલા કામ મોદીએ ચાર વર્ષમાં કર્યા, તેનાથી ૧૦ ગણા વધુ કામ અમે પણ કર્યા છે. મોદીએ જેટલા જનવિરોધી અને ખોટા કામ કર્યા છે, હું તેમને પડકારું છું. આવો આ રામલીલા મેદાનમાં આ અંગે એક જાહેર ચર્ચા કરીએ. કેજરીવાલે અન્ય એક ટ્‌વીટમાં લખ્યું કે, તમને દિલ્હીના લોકોએ બે કામ સોંપ્યા હતા. સફાઈ અને પોલીસ. તમે એ બંને કામોમાં નિષ્ફળ રહ્યા છો. ના તો તમારાથી દિલ્હીની સફાઈ થાય છે અને ના તો પોલીસને સંભળાય છે. અમને દિલ્હીવાસીઓએ વીજળી, પાણી, શિક્ષણ અને હોસ્પિટલોની જવાબદારી સોંપી હતી. તેમાં થયેલા સારા કામોનો ડંકો આજે આખી દુનિયામાં વાગી રહ્યો છે. કેજરીવાલની ટ્‌વીટ બાદ શાહે કહ્યું કે, કેજરીવાલનો એક માત્ર મંત્ર છે, જૂઠું બોલવું અને જબરદસ્તીથી તેમજ ફરીને ફરી એકની એક વાત કરવી. કેજરીવાલે પોતાની ટ્‌વીટ દ્વારા એ જાણવાનો પ્રયત્ન કર્યો કે, અમિત શાહ તમારી સરકારે ૧૪માં નાણાકીય પંચમાં દિલ્હીને કેટલા રૂપિયા ફાળવ્યા ? માત્ર ૩રપ કરોડ ? દિલ્હીમાં પણ પૂર્વાચલના લોકો રહે છે. તેમના વિકાસ માટે પૈસા કેમ ના આપ્યા ? દિલ્હીમાં રહેતા પૂર્વાચલના લોકોની વિરૂદ્ધ કેન્દ્ર સરકારનો ભેદભાવ શા માટે ?
તેમણે ર૦૧૪માં શાહે કરેલી ટ્‌વીટને રિટ્‌વીટ કરી. જેમાં તેમણે ચર્ચા માટેના પડકારને સ્વીકાર્યો હતો અને આ ટ્‌વીટમાં તેમણે શાહને એ પણ પૂછ્યું કે, તેઓ ચર્ચા કરવા માટે સમય અને સ્થળ પણ જણાવે. કેજરીવાલની ટ્‌વીટ બાદ શાહે પણ કોંગ્રેસ પર કેન્દ્રમાં તેની સરકારના સમયે ભારતના પૂર્વીય પ્રદેશને અન્યાય કર્યો હોવાનો આરોપ મૂક્યો છે જેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા અને ઝારખંડનો સમાવેશ થાય છે.

આયુષ્માન ભારત માત્ર પ્રચારની એક રીત છે, જે વધુ એક જુમલો સાબિત થશે : દિલ્હીના સીએમ કેજરીવાલ

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
દિલ્હીના સીએમ અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે શરૂ કરવામાં આવેલ સ્વાસ્થ્ય યોજના ‘આયુષ્માન ભારત’ માત્ર પ્રચારની રીત (પી.આર. એક્સરસાઈઝ) છે જે વધુ એક ‘જુમલો’ સાબિત થશે. આપે આ યોજનાને ‘અન્ય એક સફેદ હાથી’નો કરાર આપ્યો છે અને આરોપ મૂક્યો છે કે આ દિલ્હીમાં પ૦ લાખમાંથી માત્ર ૬ લાખ પરિવારને આવરી લે છે. કેજરીવાલે આપના નિવેદનના સંદર્ભમાં ટ્‌વીટ કરીને કહ્યું, “આયુષ્માન ભારત પ્રચારની અન્ય એક રીત છે કે, જે એક જુમલો સાબિત થશે.” આપે પોતાના નિવેદનમાં કહ્યું કે તેનું માનવું છે કે દેશ માટે સાર્વભૌમિક સ્વાસ્થ્ય યોજના જરૂરી છે અને આયુષ્માન ભારત “સાર્વભૌમિક યોજના નથી અને તેને એ રીતે બનાવવામાં આવી છે કે તે નિષ્ફળ જ રહેશે.” આયુષ્માન ભારત યોજનાનું લક્ષ્ય ખાસ કરીને નીચલા અને નીચલા મધ્યમ વર્ગના પરિવારોના મોંઘા મેડિકલ બિલથી છૂટકારો અપાવવાનો છે. આ યોજના હેઠળ ગરીબ, વંચિત ગ્રામીણ પરિવાર અને શહેરી શ્રમિકોની શ્રેણીને રાખવામાં આવી છે.