(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર સચિવાલયમાં મરચાનો પાવડર ફેંકાયો છે. બપોરે એક શખ્સે મુખ્યમંત્રી પર મરચાના પાવડરથી હુમલો કરતા તેમની આંખમાં પાવડર ગયો હતો. ત્યારબાદ આરોપી હુમલાખોર અનિલને પકડી લેવામાં આવ્યો હતો. કેજરીવાલની પાર્ટીના નેતાઓમાં આ હુમલાથી ઘણો રોષ વ્યાપ્યો છે અને આરોપ લગાવ્યો છે કે, આ પોલીસની ઘણી ગંભીર સુરક્ષા ચૂક છે. આપના ધારાસભ્ય અલકા લાંબાએ કહ્યું કે, કેજરીવાલ દિલ્હીમાં પોતાની કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં બેઠકો પતાવીને પોતાની ત્રીજા માળે આવેલી ઓફિસમાં લંચ માટે જતા હતા. ચેમ્બર બહાર જ આરોપી ઉભો હતો અને તે માચિસના બોક્ષમાં મરચાનો પાવડર લઇને આવ્યો હતો. પોલીસે મરચાના પાવડરથી હુમલો કરનારા શખ્સ અનિલકુમાર શર્માને પકડી લીધો છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે. અલકા લાંબાએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, આરોપીએ પહેલા અરવિંદ કેજરીવાલને પોકાર્યા હતા અને બાદમાં ખિસ્સામાંથી પત્ર સાથે મરચાના પાવડરની ડબ્બી કાઢી તેમની તરફ ફેંકી હતી. મરચાનો પાવડર તેમની આંખમાં ગયો ન હતો પણ તેઓ હુમલો થતા બચવા માટે નીચે ઝુક્યા ત્યારે તેમના ચશ્મા નીચે પડી ગયા હતા જેના કારણે તે તુટી ગયા હતા. આ હુમલા માટે અલકા લાંબાએ કેન્દ્ર સરકારના અંકુશવાળી દિલ્હી પોલીસને જવાબદાર ઠેરવતાની સાથે મુખ્યમંત્રીની સલામતીમાં સંપૂર્ણ નિષ્ફળ રહેવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, સચિવાલયમાં પ્રવેશનારા અસામાજિક તત્વોને રોકવામાં દિલ્હી પોલીસ સતત નિષ્ફળ રહી છે. તેઓ કેન્દ્રમાં શાસન કરી રહેલા ભાજપના ઇશારે આ કામ કરાવે છે. આને મુખ્યમંત્રી પર ભયાનક હુમલો ગણાવતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે, ભાજપ એવા સંદેશ ફેલાવે છે કે જે લોકો મુખ્યમંત્રી અને તેમની પાર્ટીના લોકો પર હુમલા કરશે તેમને સુરક્ષા અપાશે. બીજી તરફ ભાજપે આ ઘટનાને વખોડી હતી. દિલ્હી ભાજપના પ્રમુખ મનોજ તિવારીએ કહ્યું કે, આ ઘટનાને હું સખત રીતે વખોડું છું. આ ઘટનાને કોઇપણ કાળે સાંખી લેવાય નહીં કે યોગ્ય ઠેરવી શકાય નહીં. આ ઘટનાની તપાસ થવી જોઇએ. આ પહેલા પણ પ્રચાર દરમિયાન કેજરીવાલ પર શાહી, ચપ્પલ અને તમાચાથી હુમલા થયા છે.

મરચા પાવડરના હુમલા
બાદ કેજરીવાલને
સારવાર માટે લઇ જવાયા

દિલ્હી સચિવાલયમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મરચા પાવડરનો હુમલો થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. હુમલામાં કેજરીવાલના ચશ્મા પણ તૂટી ગયા હતા અને હુમલો થયા બાદ તેમને ડોક્ટર પાસે સારવાર માટે લઇ જવાયા હતા. આ હુમલો મંગળવારે બપોરે આશરે ૨.૩૦ વાગે થયો હતો.હુમલા માટેના કારણો મોડા સુધી જણાઇ આવ્યા ન હતા. આપના નેતા રાઘવ ચડ્ડાએ કહ્યું કે, જ્યારે હુમલો થયો ત્યારે તેઓ મુખ્યમંત્રીની એકદમ પાછળ ઉભા હતા અને અચાનક જ તેમની સાથે વાત કરવાના બહાને આરોપીએ મરચા પાવડરનો હુમલો કર્યો હતો. હુમલામાં તેમના ચશ્મા તૂટી ગયા બાદ આંખને નુકસાન થયું છે કે નહીં તેની તપાસ કરવવા માટે કેજરીવાલને ડોક્ટર પાસે લઇ જવાયા હતા.

મરચાનો પાવડર ફેંકી આરોપી બોલ્યો, ‘ગોળી મારવા આવ્યો છું’

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર સચિવાલયમાં તેમની ઓફિસ બહાર જ એક શખ્સે મરચાના પાવડરથી હુમલો કરતા સનસનાટી મચી ગઇ છે. આપના નેતા રાઘવ ચડ્ડાએ કહ્યું કે, આરોપી અનિલકુમાર શર્માએ પહેલા કેજરીવાલના ચશ્મા ઝૂંટવી લીધા અને તેમની આંખમાં લાલ મરચાનો પાવડર નાખવાનો પ્રયાસ કર્યો હતો. મરચાનો પાવડર ફેંક્યા બાદ તેણે કહ્યું કે, હું તમને ગોળી મારવા આવ્યો છું અને અગાઉ પણ ફેસબૂક પોસ્ટ દ્વારા આ વાત કહી ચુક્યો છું. પોલીસે હુમલાખોર શખ્સને પકડી પાડ્યો છે અને તે નારાયણાનો રહેવાસી છે. એવું કહેવાય છે કે, તેણે મરચાનો પાવડર માચિસની ડબ્બીમાં ભર્યો હતો.