(એજન્સી) તા.રપ
આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)ના મુદ્દા અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પર નિશાન સાધ્યું છે. એનઆરસી પર એક પ્રશ્નનો જવાબ આપતા મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે, જો દિલ્હીમાં એનઆરસી લાગુ થયું તો મનોજ તિવારીને જ સૌ પ્રથમ દિલ્હી છોડવું પડશે. કેજરીવાલના આ નિવેદન પર મનોજ તિવારીએ પણ વળતો પ્રહાર કર્યો છે. જો કે, બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ પછી મુખ્યમંત્રી કેજરીવાલને પૂછવામાં આવ્યું હતું કે, દિલ્હીમાં પત્રકાર પર જે હુમલો થયો હતો તેની પર મનોજ તિવારીનું કહેવું છે કે, તે માટે ઘૂસણખોર જવાબદાર છે. શું દિલ્હીમાં એનઆરસી લાગુ થવું જોઈએ ? તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, ‘જો એનઆરસી દિલ્હીમાં લાગુ થયું તો સૌ પ્રથમ મનોજ તિવારીએ દિલ્હી છોડવી પડશે. મુખ્યમંત્રીના આ નિવેદનને તિવારીએ પકડતા વળતો પ્રહાર કર્યો કે, કેજરીવાલ દેશના લોકોને દિલ્હીના નથી સમજતા. મનોજ તિવારીએ મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછતા જણાવ્યું કે શું બાહ્ય રાજ્યોના લોકોએ દિલ્હી છોડી દેવું જોઈએ ? તિવારીએ જણાવ્યું કે, હું પૂછવા માંગું છું કે શું તે આ કહેવા ઈચ્છે છે કે પૂર્વાંચલના લોકો ઘૂસણખોર છે ? શું બીજા રાજ્યના લોકોને મુખ્યમંત્રી વિદેશી ગણે છે ? મને લાગે છે કે તેમનું માનસિક સંતુલન બરાબર નથી. એક આઈઆરએસ અધિકારીને કેવી રીતે ખબર નથી કે એનઆરસી શું છે ? મનોજ તિવારી પછી ભાજપ નેતા કપિલ મિશ્રાએ પણ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતાં વીડિયો જારી કરી જણાવ્યું કે, એનઆરસી પર કેજરીવાલનું નિવેદન શરમજનક, યુપી અને બિહારના લોકોની સરખામણી ઘૂસણખોરો સાથે કરવી ખૂબ જ ખરાબ વર્તન, બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને બચાવવાનું ષડયંત્ર કરી રહ્યા છે કેજરીવાલ.