(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શો દરમિયાન શનિવારે એક શખ્સે તેમને થપ્પર મારી દીધી હતી. દિલ્હીના મોતીનગરમાં કેજરીવાલ એક રોડ શો કરી રહ્યા હતા આ દરમિયાન આરોપી કેજરીવાલની જીપ નજીક આવી ચડ્યો હતો અને સીએમ પર હુમલો કરી દીધો હતો. ઘટના બાદ ત્યાં હાજર પાર્ટી કાર્યકરોએ તેને પકડી લીધો હતો અને માર માર્યો હતો. બાદમાં કાર્યકરોએ તેને પોલીસના હવાલે કરી દીધો હતો. અહેવાલો અનુસાર પોલીસ તરફથી આરોપીની ઓળખ ૩૩ વર્ષના સુરેશ તરીકે કરાઇ છે જે સ્પેર પાટ્‌ર્સનો વેપારી છે. દરમિયાન આપે આ હુમલા માટે ભાજપને જવાબદાર ગણાવ્યો છે. આપના ધારાસભ્ય સૌરભ ભારદ્વારે જણાવ્યું કે, તેઓએ કેજરીવાલને શારિરીક હુમલાના નિશાન બનાવવાનો માર્ગ અપનાવ્યો છે. અહેવાલો અનુસાર કેજરીવાલને લાફો મારવા માટે જીપ પર ચડેલા યુવકને કાર્યકરોએ નીચે ઉતારી માર માર્યો હતો પણ પોલીસે વચ્ચે પડતા તેને બચાવ્યો હતો. પોલીસ દ્વારા તેની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ હુમલા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, શું મોદી અને અમિત શાહ કેજરીવાલની હત્યા કરવા માગે છે ? કેજરીવાલની લોકપ્રિયતા તેઓ તોડી શક્યા નથી, તેઓ ચૂંટણીઓમાં તેમને હરાવી શકતા નથી તેથી તમે તેમને હટાવી દેવા માગે છો, તમે કાયર છો. પણ યાદ રાખજો આ કેજરીવાલ જ તમારો કાળ છે. કેજરીવાલ પર હુમલા બાદ આપે ટિ્‌વટ કર્યું હતું કે વધુ એક કાયરતાભર્યો હુમલો થયો, આ વિપક્ષી ભાજપ દ્વારા પ્રાયોજિત હુમલો છે.