(એજન્સી)
નવી દિલ્હી, તા.૬
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે વડાપ્રધાન મોદી ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સામે ખૂબ જ નારાજ છે કારણ કે એ અમારી સરકાર સામે પૂરતા અવરોધો ઊભા કરવામાં નિષ્ફળ ગયા છે. એમણે દાવો કર્યો કે આ જ કારણ હતું જેના લીધે પૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગને હટાવવામાં આવ્યા હતા.
દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે સર્વોપરી કોણ એ બાબતે વિવાદો ચાલી જ રહ્યા છે. આ મુદ્દે હાઈકોર્ટમાં કેસ પણ પડતર છે. હાલમાં અનિલ બૈજલ અને કેજરીવાલ સરકાર વચ્ચેના મતભેદો સપાટી ઉપર આવ્યા છે.
કેજરીવાલે ટ્‌વીટ કરી લખ્યું છે કે મને અંગત રીતે અહેવાલો મળ્યા છે કે મોદી બૈજલ સામે ખૂબ નારાજ છે કારણ કે બૈજલ અમારી સરકાર સામે અવરોધો ઊભા નથી કરતાં કારણ કે જો અવરોધો કરી શકતા હોય તો દિલ્હી સરકાર સારૂં કાર્ય નહીં કરી શકી હોત. કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાન ઈચ્છે કે આપ સરકારને સારૂં કાર્ય કરવાથી રોકવામાં આવે, એ જે પણ ક્ષેત્ર, શિક્ષણ, આરોગ્ય, પાણી અને વીજળી હોય એમાં કામગીરી સારી નહીં થવી જોઈએ. કેજરીવાલે કહ્યું કે અમે આવું નહીં થવા દઈશું. બધા ક્ષેત્રોમાં સારી કામગીરી ચાલુ જ રહેશે. ગયા મહિને કેજરીવાલે બૈજલને કહ્યું હતું કે, અમારા કાર્યમાં અવરોધો ઊભા ન કરો.