અમદાવાદ, તા.૧
રાજ્યની ૬ આયુર્વેદિક કોલેજોમાં નિયમ મુજબ ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જેમાં તેમામ કોલેજોમાં જરૂરી તમામ વ્યવસ્થા હતી એટલે ૬ આયુર્વેદિક કોલેજોમાં ૩૮૦ બેઠકો પર પ્રવેશ માટે રિન્યુઅલની મંજૂરી આપી દેવાઈ છે ત્યારે સેન્ટ્રલ એડમિશન કમિટી દ્વારા એડમિશન પ્રક્રિયા હાથ ધરશે.
આયુષ નિયામકની કચેરી હેઠળ સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ આયુર્વેદિક કોલેજોમાં ૪૪૦ બેઠકો ઉપલબ્ધ છે. ભારત સરકારના આયુર્વેદિક કાઉન્સિલના નિયમ મુજબ આ બેઠકો પર નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે મંજૂરી લેવાની હોય છે. દર વર્ષે આ કોલેજો પૂરતો શૈક્ષણિક સ્ટાફ ધરાવે છે કે કેમ ? જરૂરી સાધન સામગ્રી ધરાવે છે કે કેમ ? અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પૂરતી વ્યવસ્થા છે કે કેમ ? તેની ચકાસણી કરવામાં આવે છે તે જ રીતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હસ્તકની સરકારી અને ગ્રાન્ટ એઈડ ૬ કોલેજનું ઈન્સ્પેક્શન કરાયું હતું અને તેમાં આ તમામ કોલેજોમાં તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થા છે. તે મુજબનો અહેવાલ આયુર્વેદ કાઉન્સિલને રજૂ કરાયો હતો. તેના આધારે વર્ષ ર૦૧૮-૧૯માં ગુજરાતની આ ૬ આયુર્વેદિક કોલેજોમાં ૩૮૦ બેઠકોમાં નવા વર્ષે પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે આ ૬ કોલેજોમાં એક સાથે સેન્ટ્રલ એડમિશન કમિટી દ્વારા એડમિશન પ્રક્રિયા હાથ ધરાશે. એમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
વધુમાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આયુષ નિયામકની કચેરી હેઠળ કાર્યરત ૭ આયુર્વેદ કોલેજો પૈકી ૬ કોલેજો માટે કેન્દ્ર સરકારના સી.સી.આઈ.એમ દ્વારા આ વર્ષના શૈક્ષણિક વર્ષ માટે મંજૂરી મળી છે અને સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદની ૬૦ બેઠકો મંજૂરી માટેની પ્રક્રિયા પ્રગતિમાં છે જે સત્વરે મંજૂર થશે. વર્ષ ર૦૧૮-૧૯ માટે જે સરકારી આયુર્વેદ કોલેજો તથા ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં બેઠકોના પ્રવેશ માટે મંજૂરી મળી છે. તેમાં સરકારી આયુર્વેદિક કોલેજ વડોદરા, ભાવનગર અને જૂનાગઢ ખાતે પ્રત્યેક કોલેજોમાં ૬૦ બેઠકો, સ્ટેટ મોડેલ ઈન્સ્ટિટ્યુટ, સરકારી આયુર્વેદિક કોલેજ, કોલવડા, ગાંધીનગર ખાતે ૬૦ બેઠકો તથા ગ્રાન્ટ ઈન એઈડ, ઓ.હી. નાઝર આયુર્વેદિક કોલેજ, સુરત ખાતે પ૦ બેઠકો માટે અને ગ્રાન્ટ ઈન એઈડ શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, જામનગર ખાતે ૯૦ બેઠકો માટે મંજૂરી મળી છે.