(એજન્સી) તા.ર૩
ઓલ ઈન્ડિયા ઈત્તેહાદુલ મુસ્લિમિનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો હતો કે નાગરિકતા અંગેનો નવો કાયદો ફકત મુસ્લિમોનો મુદ્દો નથી પરંતુ તે બધા ભારતીયો સાથે સંબંધિત છે. આ કાયદા વિરૂદ્ધ એકધારી લડત આપવી પડશે. હૈદરાબાદના સાંસદે શનિવારે કહ્યું હતું કે, મારે શા માટે લાઈનમાં ઊભા રહીને કહેવું પડે કે હું ભારતીય છું ? મારો જન્મ આ જમીન પર થયો છે અને હું અહીંનો નાગરિક છું. આ ફકત મુસ્લિમોનો મુદ્દો નથી પરંતુ તે બધા ભારતીયોને લાગુ પડે છે. હું મોદી-ભકતોને પણ કહી રહ્યો છું કે તમારે પણ દસ્તાવેજો લઈને લાઈનમાં ઊભા રહેવું પડશે. ઓવૈસીએ કહ્યું હતું કે, ભાગલાના સમયે ભારતીય મુસ્લિમોએ ઝીણાની ટુ-નેશન થિયરી ફગાવી ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું. ઓવૈસીએ કહ્યું હતું કે, હું મારા જન્મથી અને મારી પસંદગીથી ભારતીય છું. જો તમે મારા પર ગોળીઓ વરસાવવા ઈચ્છો છો તો તમને જણાવી દઉં કે તમારી ગોળીઓ ખૂટી પડશે પરંતુ ભારત પ્રત્યો મારા પ્રેમનો અંત નહીં આવે.