(એજન્સી) નવી દિલ્હી, તા.૯
નાગરિકતા સંશોધન ખરડાની લોકસભામાં ચર્ચા દરમ્યાન એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકતા સુધારા બિલની કોપી ફાડી વિરોધ કર્યો હતો. ઓવૈસીના આ પગલાં બાદ સંસદમાં ભારે હોબાળો થયો જો કે, અધ્યક્ષ રમા દેવીએ આ પગલાને કાર્યવાહીમાંથી હટાવવાનો આદેશ આપ્યો. ઓવૈસીએ બિલનો વિરોધ કરતાં કહ્યું કે, આ બિલ હિટલરની નાઝી વિચારધારા કરતાં પણ બદતર છે. તેમણે કહ્યું કે, આપણે મોહમ્મદ અલી ઝીણાની વાતને નકારી અને મૌલાના આઝાદ સાથે ચાલ્યા તેમણે કહ્યું હતું કે, અમારો ભારત સાથે ૧૦૦ વર્ષનો સંબંધ છે. તો પછી આ સરકારને મુસ્લિમોથી આટલી નફરત કેમ છે તેમણે કહ્યું કે, હું બિલનો સખત વિરોધ કરું છું. જ્યારે આપણે બંધારણ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી કેટલા ઘટાડા થયા છે. રાજેન્દ્ર પ્રસાદે બંધારણની પ્રસ્તાવનાને ભગવાન અથવા ખુદાનું નામ લખવાનો વિરોધ કર્યો હતો. આખરે અમારો ગુનો શું એટલો જ છે કે અમે મુસલમાન છીએ ? તમે મુસ્લિમોને દેશ વિહોણા બનાવવા માંગો છો આ તો ખરેખર એક ભાગલા જેવું થઈ રહ્યું છે.