(એજન્સી) હૈદરાબાદ, તા. ૨૫
નાગરિકતા સુધારણા કાયદો (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)ની વિરુદ્ધમાં વિરોધ વ્યક્ત કરનારા એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યો છે. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ના સંદર્ભમાં ભારતીય નાગરિકોને ગેરમાર્ગે દોરવા બદલ ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીકા કરી છે. ઓવૈસીએ જણાવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ દેશના લોકોને ગેરમાર્ગે કેમ દોરી રહ્યા છે. ઓવૈસીએ જણાવ્યું હતું કે, અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે ‘ઓવૈસીજી એનઆરસી સમગ્ર દેશમાં લાગુ થશે’. ઓવૈસીએ એવું પણ કહ્યું કે ‘અમિત શાહ સાહેબ, જ્યાં સુધી સૂર્યનો ઉદય પૂર્વથી થશે, અમે સત્ય બોલતા રહીશું. ઓવૈસીએ કહ્યું કે રાષ્ટ્રે જાણવાની જરૂર છે કે એનપીઆર એનઆરસી તરફનું પ્રથમ પગલું છે’. ઓવૈસીએ એવો પ્રશ્ન કર્યો કે ૧૯૫૫ના નાગરિકતા કાયદા મુજબ તેઓ એનપીઆર કરી રહ્યા છે ત્યારે શું આ એનઆરસી સાથે જોડાયેલું નથી ? ઓવૈસીએ કહ્યું કે એપ્રિલ ૨૦૨૦થી એનપીઆરની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને અધિકારીઓ દસ્તાવેજો માગશે… તેની આખરી યાદી એનઆરસી હશે. ઓવૈસીએ અગાઉ જણાવ્યું હતું કે, એનપીઆર એનઆરસીનું બીજું નામ છે. ઓવૈસીના આ નિવેદન પર ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જો અમે જણાવીશું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો તેઓ કહેશે કે પશ્ચિમમાં ઉગે છે. આ તેમનું સ્ટેન્ડ છે અને મને તેનાથી કોઇ આશ્ચર્ય નથી, તેમ છતાં હું તેમને ખાતરી આપું છું કે એનપીઆરને એનઆરસી સાથે કોઇ લેવાદેવા નથી. આ એક અલગ પ્રક્રિયા છે.