(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસીએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતશાહ (એનપીઆર) નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અંગે ગુમરાહ કરી રહ્યા છે. એનપીઆર અને એનઆરસી એક સિક્કાની બે બાજુ છે. એનપીઆર અને એનઆરસીના નિયમો સરખા છે. આ નિયમ નાગરિક કાનૂન ૧૯પપ મુજબ બનાવાયા છે. જેમાં એનપીઆર અને એનઆરસીનો ઉલ્લેખ છે. જે દેશમાં એનપીઆર હશે તો એનઆરસી પણ હશે.
ઔવેસી સીએએ, એનઆરસી, એનપીઆર વિરૂદ્ધ અભિયાન મુજબ શુક્રવાર નિઝામાબાદામાં પ્રદર્શન બેઠકને સંબોધન કરી રહ્યા હતા. ઔવેસીના દાવાના એક દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ સ્પષ્ટ કર્યું હતું કે એનપીઆર અને એનઆરસી વચ્ચે કોઈ સંબંધ નથી. ઔવેસીએ ભાજપના નેતાઓ પર આ મુદ્દે ટીવી ચેનલો પર દુષ્પ્રચાર કરાવાનો આરોપ લગાવ્યો હતો. તેમના કહેવા મુજબ ર૦૧૦માં તત્કાલિન સરકારે દ્વારા એપીઆરની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. ર૦૧૦ અને ર૦ર૦ વચ્ચે અંતર અંગે ઔવેસીએ કહ્યું કે ર૦ર૦માં એનપીઆર પરિજનોના જન્મસ્થળ જન્મતિથી અંગે પ્રશ્નો પૂછાયા છે. સરકારની મંશા સાફ હોત તો તે પહેલા એનપીઆર અને એનઆરસી પ્રક્રિયા કરાવ્યા બાદમાં નાગરિકતા સંશોધન કાનૂન લાવતા. સીએએ કાનૂન લાવવાનો હેતુ એનપીઆર છે.
ઔવેસીએ કહ્યું કે ગાંધી અને આંબેડકરના દેશમાં સંવિધાનને બચાવમાં સીએએ અને એનપીઆર સામે ચળવળ કરાઈ છે. આ ચળવળ હિન્દુ, મુસ્લિમ, દલિત વિરૂદ્ધ નથી પરંતુ ભારત-હિન્દુસ્તાન બચાવવા માટે છે. તેમણે ચળવળને ટેકો આપવા બદલ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવનો આભાર માન્યો હતો. જેમણે રાજ્યમાં સીએએ, એનપીઆર લાગુ નહીં કરવાની કટિબદ્ધતા દોહરાવી હતી.