(એજન્સી) હૈદરાબાદ, તા.૧૯
યુઆઇડીએઆઇ દ્વારા હૈદરાબાદમાં એઆઇએમઆઇએમના વડા અસદુદ્દી ઓવૈસીના મતવિસ્તારના ૧૨૭ લોકોને પાઠવવામાં આવેલી નોટિસથી નારાજ થયેલા ઓવૈસી વિરોધ વ્યક્ત કર્યો છે. આધાર સત્તાવાળાઓ દ્વારા હૈદરાબાદની એક વ્યક્તિને બોલાવીને તેને નાગરિકતા પૂરવાર કરવાનું કહ્યા અંગે સર્જાયેલા વિવાદ બાદ ઓવૈસીએ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. ૧૨૭ લોકોને પાઠવવામાં આવેલી નોટિસનો નાગરિકતા સાથે કોઇ લેવા-દેવા નહીં હોવાના આધાર નોડલ એજન્સીના ખુલાસા અંગે પ્રતિક્રિયા આપતા અસદુદ્દીન ઓવૈસીએ યુઆઇડીએઆઇ સામે પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ હોવાનો આરોપ મૂક્યો છે. તેમણે એવો પ્રશ્ન પણ કર્યો કે ખોટા બહાના હેઠળ આધાર કાર્ડ મેળવવા બદલ યુઆઇડીએઆઇ દ્વારા જેમને નોટિસ પાઠવવામાં આવી છે એ ૧૨૭ લોકોમાં કેટલા મુસ્લિમો અને દલિતો છે ? તેમણે યુઆઇડીએઆઇ સામે સત્તાઓનો દુરૂપયોગ કરવાનો અને યોગ્ય પ્રક્રિયા નહીં અનુસરવાનો પણ આરોપ મૂક્યો છે. તેમણે ટિ્‌વટમાં એવું પણ લખ્યું કે યુઆઇડીએઆઇના આ પગલાના પરિણામે લોકોમાં ભય ફેલાઇ ગયો છે.
ઓવૈસીએ આ મામલામાં ટિ્‌વટ કરીને સરકારને પ્રશ્ન કર્યો છે. આ મામલામાં સરકારને ઘેરવાનો તેમણે પ્રયાસ કર્યો છે. તેમણે ટિ્‌વટમાં લખ્યું કે આધાર કાયદાની કલમ ૯ મુજબ આધાર કાર્ડને નાગરિકતાનું પ્રમાણ માનવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે યુઆઇડીએઆઇ પાસે નાગરિકતાના પુરાવા માગવાનો કોઇ કાનૂની અધિકાર નથી. આ ગેરકાનૂની અને અસ્વીકાર્ય છે. હૈદરાબાદના ૧૨૭ લોકોને પાઠવવામાં આવેલી નોટિસમાં યુઆઇડીએઆઇએ જણાવ્યું છે કે આધાર નાગરિકતા માટે દસ્તાવેજ નથી. યુઆઇડીએઆઇના હૈદરાબાદ કાર્યાલયે ખોટી રીત અપનાવીને આધાર નંબર પ્રાપ્ત કરવા માટે ૧૨૭ લોકોને નોટિસ મોકલી છે. જોેકે, એવું કહેવામાં આવ્યું છે કે આનો નાગરિકતા સાથે કોઇ સંબંધ નથી. યુઆઇડીએઆઇએ પોલીસ રિપોર્ટ મળ્યા બાદ નોટિસ જારી કરી છે. નોંધનીય છે કે સુપ્રીમકોર્ટે પોતાના એૈતિહાસિક ચુકાદામાં યુઆઇડીએઆઇને ગેરકાનૂની પ્રવાસીઓને આધાર જારી નહીં કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આધાર, પાન નાગરિકતા પુરવાર કરવા માટે અપૂરતા
હોવાનું કહેવું અયોગ્ય : અસદુદ્દીન ઓવૈસી

(એજન્સી) વિજયવાડા, તા.૧૯
ધર્મના નામે બનાવવામાં આવેલો કાયદો નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ‘કાળો કાયદો’ ગણાવતા સંસદના ઇતિહાસમાં આ પહેલી વાર થયું છે. ઓવૈસીએ એવું પણ કહ્યું કે આ કાળો કાયદો લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ કરે છે. વિજયવાડાના ઇદગાહ મેદાનમાં એક જાહેર સભાને સંબોધતા એઆઇએમઆઇએમના વડાએ જણાવ્યું કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુઓને ભારતીય નાગરિકતા આપવા સામે અમને કોઇ વાંધો કે સમસ્યા નથી પરંતુ એક ખાસ સમુદાય સાથે ભેદભાવને કારણે અમને રોષ છે. તાજેતરના ઉદાહરણોને ટાંકીને તેમણે કહ્યું કે ૧૯ લાખ નામોમાં પાંચ લાખ મુસ્લિમોને આસામની એનઆરસી યાદીમાં સામેલ કરાયા નથી. સમસ્યા અહીં શરૂ થયા છે કે આસામના ૧૩ લાખ લોકોને સીએએ હેઠળ નાગરિકતા મળી જશે પરંતુ એનઆરસી યાદીમાંથી બાકાત રાખવામાં આવેલા પાંચ લાખ મુસ્લિમોને પોતાની નાગરિકતા પૂરવાર કરવા માટે ભારે દોડધામ કરવી પડશે અને તેમની નાગરિકતા પુરવાર નહીં થાય ત્યાં સુધી તેમને ડિટેન્શન કેમ્પમાં રહેવું પડશે. પહેલા તેઓએ કહ્યું હતું કે પાન કાર્ડ નાગરિકતા કાર્ડ છે, ત્યાર પછી આધાર આવ્યું પરંતુ હવે તેઓ કહે છે કે નાગરિકતા પુરવાર કરવા માટે આ દસ્તાવેજો પુરતા નથી. ઓવૈસીએ પ્રશ્ન કર્યો કે આ કેટલું વાજબી છે ?