(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
વ્યભિચાર કે લગ્નેતર સંબંધ પર સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદા પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમકોર્ટના ચુકાદા સામે પ્રશ્નો ઉભા કર્યા છે. ઓવૈસીએ વ્યભિચાર કાયદા પર સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદાને આધાર બનાવીને ભાજપ સામે નિશાન સાધ્યું છે. તેમણે ત્રણ તલાક અંગે મોદી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા વટહુકમને પાછો ખેંચવાની માગણી કરી છે. સાથે જ ઓવૈસીએ કેન્દ્ર સરકારને પૂછ્યું કે ‘શું માદી સરકાર સુપ્રીમકોર્ટના ચુકાદાથી બોધપાઠ લઇને ત્રણ તલાક પર પોતાનો ગેરબંધારણીય વટહુકમ પાછો ખેંચશે ? સુપ્રીમકોર્ટના ચુકાદા અંગે ટિપ્પણી કરતા ઓવૈસીએ એવું ટિ્‌વટ કર્યું કે સુપ્રીમકોર્ટે ત્રણ તલાકને ગેરબંધારણીય ગણાવી નથી પરંતુ કલમ ૩૭૭ અને ૪૯૭ને ગેરબંધારણીય ગણાવી છે. શું મોદી સરકાર સુપ્રીમકોર્ટના આ ચુકાદાઓથી બોધપાઠ લેશે અને ત્રણ તલાક પર જારી કરાયેલો વટહુકમ પાછો લેશે ? તેમણે એવું પણ ટિ્‌વટ કર્યું કે કલમ ૩૭૭ અને કલમ ૪૯૭ હવે અપરાધ નથી પરંતુ ત્રણ તલાકને અપરાધ માનવામાં આવ્યું છે. શું આ ન્યાય છે મિત્રો… ભાજપ શું કરશે ? મીડિયા સાથે વાત કરતા ઓવૈસીએ જણાવ્યું કે તેમના વિચાર મુજબ ત્રણ તલાકને સુપ્રીમકોર્ટમાં પડકારવું જોઇએ. દરમિયાન, સુપ્રીમકોર્ટે જણાવ્યું છે કે કોઇ પણ રીતે મહિલાઓ સાથે અપમાનજનક વ્યવહાર કરી શકાય નહીં. આપણા લોકતંત્રની ખૂબી જ હું, તમે અને આપણાની છે.