(એજન્સી) તા.૬
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે કહ્યું કે, વડાપ્રધાન મોદી ચૂંટણીમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવને નહીં હરાવી શકે કેમ કે તે તેમના સમાન કટ્ટર હિન્દુ છે. એક સભામાં ઓવૈસીએ કહ્યું કે, ભાજપનું કહેવું છે કે તે તેલંગાણામાં સરકાર રચશે. કે.ચંદ્રશેખર રાવ એક કટ્ટર હિન્દુ છે, જો મોદી બે મંદિરે જાય છે તો કેસીઆર ૬માં જશે.
એઆઈએમઆઈએમના પ્રમુખે કહ્યું કે ભાજપ જાણે છે કે તે કેસીઆરને ચૂંટણીમા઼ પરાજિત કરવા માટે હિન્દુત્ત્વનો ઉપયોગ નહીં કરી શકે. તેમણે કહ્યું કે અમે હિન્દુ ધર્મવિરોધી નથી પણ હિન્દુત્ત્વના વિરોધી છીએ.આ ઉપરાંત ઓવૈસીએ શુક્રવારે કેન્દ્રીય બજેટમાં એક કરોડ મુસ્લિમ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવાના વાયદાને પૂરો ન કરવા માટે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી પર નિશાન તાક્યું. તેમણે કહ્યું કે નકવીએ દર વર્ષે એક કરોડ મુસ્લિમ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવાનો વાયદો કર્યો હતો. કેન્દ્રીય બજેટમાં શિષ્યવૃતિ કેમ ન આપવામાં આવી?
તાજેતરમાં ઓવૈસીએ એ ઘટનાઓને લઈને સંઘ પરિવાર પર નિશાન તાક્યું હતું જ્યાં કથિતરૂપે જય શ્રી રામ અને વંદે માતરમ ન બોલવા પર મુસ્લિમોની મારપીટ કરાઈ હતી. યુપીના કાનપુરથી એક રિપોર્ટ પછી મીડિયા સાથેની વાતચીતમાં ઓવૈસીએ કહ્યું કે લોકોને મારવામાં આવી રહ્યાં છે કેમ કે તે જય શ્રી રામ અને વંદે માતરમનો નારો લગાવતા નથી. આવી ઘટનાઓ રોકાશે નહીં. ફક્ત મુસ્લિમો અને દલિતોને નિશાન બનાવાય છે. આવી ઘટનાઓ પાછળ સંગઠન છે અને આ બધા સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે.