હૈદરાબાદ, તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ફાધર ઓફ ઈન્ડિયા’ ગણાવવા પર એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી દૂર-દૂર સુધી ‘ફાધર ઓફ ઈન્ડિયા’ નથી. તેમણે તેવું પણ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ એક જાહિલ (અસભ્ય) આદમી છે અને વધારે ભણેલા-ગણેલા નથી, ના તો તેને હિંદુસ્તાન વિશે તેને કંઈ ખબર છે અને ના તો તેને મહાત્મા ગાંધી વિશે કંઈ ખબર છે. ટ્રમ્પને દુનિયા વિશે કંઈ ખબર જ નથી.
ઓવૈસીએ કહ્યું, જો ટ્રમ્પને ખબર હોત તો આ પ્રકારની ગડબડી ના કરી હોત, મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનો ખિતાબ તે માટે મળ્યું, કારણ કે, તેમણે તે ખિતાબ મેળવ્યો હતો. લોકોને તેમની કુર્બાની જોઈને તેમને આ ઉપાધી આપવામાં આવી હતી. આ પ્રકારના ખિતાબ આપવામાં નથી આવતા પણ હાંસલ કરવા પડે છે. પંડિત નહેરૂ અને સરદાર પટેલ આ હિંદુસ્તાનના રાજનીતિની કદ્દાવર શખ્સીયત હતી, તેમને ક્યારેય ‘ફાધર ઓફ નેશન’ કહેવામાં આવ્યા નહીં.
હૈદરાબાદમાં એક પત્રકાર પરિષદમાં ઓવૈસીએ કહ્યું, નરેન્દ્ર મોદીને એલ્વિસ પ્રેસ્લી કહેવામાં આવ્યા. તેમાં સત્ય હોય શકે છે. એલ્વિસ પ્રેસ્લી વિશે મેં જે વાંચ્યું છે, સારૂં ગાતા હતા અને લોકોને ભેગા કરતા હતા. આપણાં વડાપ્રધાન પણ સારૂં ભાષણ આપે છે અને ભીડ ભેગી કરે છે. આ બાબત મળતી આવે છે. ઓવૈસીએ કહ્યું કે, ટ્રમ્પ ડબલ ગેમ રમી રહ્યાં છે, તેના ખેલને સમજવાની જરૂર છે.