(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૬
લોકસભામાં સોમવારે એનઆઇએ સુધારા ખરડા પર ચર્ચા થઇ હતી. આ બિલ અંગે એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે. ઓવૈસીએ કહ્યું કે સર્વપ્રથમ વાંધો એ છે કે જો એનઆઇએ વિદેશ જાય છે તો તે કયા કાયદા હેઠળ કામ કરશે. ઓવૈસીએ પૂછ્યું કે મક્કા મસ્જિદમાં, માલેગાંવ બ્લાસ્ટમાં જે લોકો માર્યા ગયા, તેમને ક્યારે ન્યાય મળશે. આખરે સરકાર અપીલ કેમ કરતી નથી. ઓવૈસી અહીં જ રોકાયા ન હતા સરકાર સામે પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે ‘તેઓ કહેવા માગે છે કે જે લોકો તેમની વાત માનશે નહીં, તેઓ દેશદ્રોહી હશે. હું આને ફગાવીદઉં છું.’ ઓવૈસીએ કહ્યું કે સંસદનો કાયદો કહે છે કે તમે કોઇ સાંસદ તરફ આંગળી ઉઠાવીને વાત કરી શકો નહીં. અમિતશાહ ડરાવવાની કોશિશ ન કરે, કોઇ ડરવાનો નથી. નોંધનીય છે કે સોમવારે લોકસભામાં એનઆઇએ સુધારા બિલ પર હાથ ધરાયેલી ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહ અને એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીને ઓવૈસી વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી થઇ હતી.