(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૯
ગુજરાત રાજ્યમાં વર્ષ ર૦૧૭ અને રૂપાણી સરકારના છ મહિનાના સમયમાં ગુનાખોરીએ માઝા મૂકતા સામાન્ય પ્રજા સલામત રહી નથી. મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા કરનાર રૂપાણી સરકારના શાસનમાં દુષ્કર્મના ૩ર૩૧ બનાવો નોંધાયા છે. જે ગુજરાત માટે કલંકરૂપ હોવાનું કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તાએ જણાવ્યું છે.
ગુજરાત રાજ્યમાં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારથી રાજધર્મની ઐસીતૈસી કરનાર ભાજપ સરકારના છેલ્લા ચાર વર્ષના શાસનમાં ગુનાખોરીએ માઝા મૂકતાં દારૂની રેલમછેલ, અપહરણ અને હત્યાના છડેચોક બનતા બનાવો વચ્ચે દુષ્કર્મના ૩ર૩૧ બનાવો ગુજરાત માટે કલંકરૂપ છે. કેબિનેટ મંત્રી નહીં બની શકનાર છ ફુટ ઊંચા ગૃહ રાજ્યમંત્રી કે મુખ્યમંત્રીને આ ક્રાઈમ રેટ દેખાતો નથી. કારણ કે તેમણે મોબ લિચિંગ તેમજ દલિત-આદિવાસી સામેના અપરાધમાં બીજા નબંરે રહેલા ગુજરાતને લોકસભાની ચૂંટણી પહેલાં જ નંબર – ૧ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હોવાનું કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. હિમાંશુ પટેલે જણાવ્યું છે.
ગુજરાતમાં ધોળેદહાડે વૃદ્ધજનો લૂંટાઈ રહ્યા છે તો ઠેર-ઠેર છડેચોક હત્યા થઈ રહી છે. માત્ર દોઢ વર્ષમાં રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરામાં ર૦ર લૂંટ, ૪૦પ અપહરણ અને રપ૩૬ જેટલાં ચોરીના બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. જ્યારે ર૦૧૭ના વર્ષમાં રપ૧૪ અપહરણના બનેલા બનાવો સામે મહિલા સુરક્ષિત હોવાની વાતો કરનાર રૂપાણી સરકારમાં દુષ્કર્મના ૯૦૧ બનાવો એક જ વર્ષમાં છ ગણાં વધારે બન્યા છે. દિલ્હી નિર્ભયા કિસ્સાને પગથિયું બનાવી સત્તા મેળવનાર ભાજપના ગુજરાત મોડેલમાં જ છેલ્લા ૪ વર્ષમાં દુષ્કર્મના ૩ર૩૧ બનાવો બન્યા છે. જ્યારે દોઢ વર્ષમાં જ દહેજ, ત્રાસ-અત્યાચાર, છેડતી અંગે સવા બે લાખ ફોન આવતા હોય ત્યાં મહિલાઓ કેટલી સલામત છે તે ભાજપ જ સમજી શકે તેમ છે.
૩પ ટકાના વધારા સાથે દારૂની થતી રેલમછેલમાં દરેક ગુનાખોરીમાં રપ-૪૦ ટકાનો વધારો નોંધાયો છે. જેમાં હેડ ક્રાઈમ અને મોબ લિચિંગમાં ઉત્તરપ્રદેશના ૧૮ બનાવો પછી ગુજરાત ૧૩ બનાવો સાથે બિહાર કરતા પણ આગળ છે. તો આદિવાસી-દલિત સામે અપરાધના બનાવોમાં દેશમાં બીજા નંબરે રહેલાં ગુજરાતમાં માત્ર સત્તા ટકાવી રાખવાની લાલસા સાથે ભાજપ સરકારે જ છુટો દોર આપતાં મહિલા, બાળકો કે વૃદ્ધજનોની કોઈ સલામતી રહી નથી ત્યારે ગુજરાતભરમાં ગુનાખોરી ડામવામાં સદંતર નિષ્ફળ ગયેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને નૈતિકતા અને થોડી ઘણી પણ શરમ બાકી રહી હોય તો તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.