(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
સરકારે નિર્ણય કર્યો છે કે, એવા બાળકોને અટકાયતી કેન્દ્રમાં મોકલવામાં નહીં આવશે જેમના નામો અંતિમ એનઆરસી યાદીમાં બાકાત રહી ગયેલ હોય અને એમના માતા-પિતાના નામો યાદીમાં સામેલ હોય. લોકસભામાં આજે રાજ્યકક્ષાના ગૃહમંત્રી નિત્યાનંદ રાયે લેખિત જવાબ આપી જણાવ્યું હતું કે, જે બાળકોના નામો એનઆરસીની યાદીમાંથી બાકાત રહ્યા હોય અને એમના વાલીઓના નામો યાદીમાં જણાવેલ હોય તો એવા બાળકોના દાવાઓ અને વાંધાઓના નિકાલ માટે ખાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એમણે વધુ ખુલાસો કરતાં જણાવ્યું કે, ૬ઠ્ઠી જાન્યુઆરી ર૦ર૦ના રોજ સરકારના એટર્ની જનરલે સુપ્રીમકોર્ટ સમક્ષ રજૂઆત કરી ખાતરી આપી હતી કે આસામમાં લાગુ થયેલ એનઆરસી મુજબ એવા બાળકોને એમના માતા-પિતાથી અલગ કરવામાં આવશે નહીં જેમના નામો એનઆરસીની અંતિમ યાદીમાં નહીં હોય પણ એમના માતા-પિતાના નામો યાદીમાં સામેલ હોય. આસામમાં એનઆરસીની પ્રક્રિયા સુપ્રીમકોર્ટની નિગરાની હેઠળ કરાઈ હતી. અંતિમ યાદી ઓગસ્ટ ર૦૧૯માં જાહેર કરાઈ હતી જેમાં ૧૯ લાખ લોકોના નામો નાગરિક તરીકે દર્શાવેલ ન હતા.