(એજન્સી) નવી દિલ્હી, તા.૬
સુપ્રીમ કોર્ટે આજે અનુચ્છેદ ૩પ-એ સંદર્ભે દાખલ કરાયેલ વિવિધ અરજીઓની સુનાવણી મોકૂફ રાખી હતી. અનુચ્છેદ ૩પ-એ દ્વારા જમ્મુ-કાશ્મીરના લોકોને વિશેષ અધિકારો મળે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ત્રણ જજોની બેંચ નિર્ધારિત કરશે કે આ મામલાને મોટી બંધારણીય બેંચ સમક્ષ મોકલવામાં આવે કે નહીં. હાલમાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચ સુનાવણી કરવાની હતી જેમાં સીજેઆઈ દીપક મિશ્રા, જજ એ.એમ. ખાનવિલકર અને જજ ડી.વાય. ચંદ્રચૂડ હતા પણ આજે જજ ચંદ્રચૂડ કોર્ટમાં હાજર ન હતા જેથી સુનાવણી ર૭મી ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી હતી. સીજેઆઈ દીપક મિશ્રાએ જણાવ્યું કે, કોર્ટ એ બાબત ધ્યાનમાં લેશે કે શું અનુચ્છેદ ૩પ એ બંધારણના મૂળભૂત માળખાની વિરૂદ્ધ છે. અનુચ્છેદ ૩પ-એને ૧૯પ૪માં રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલ વટહુકમ દ્વારા બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા જમ્મુ-કાશ્મીરના નાગરિકોને વિશેષ અધિકારો મળે છે. જે મહિલા રાજ્યની બહારની વ્યક્તિ સાથે લગ્ન કરે છે એમને અને એના વારસદારોને પણ મિલકતોના અધિકારો નથી આપવામાં આવતા. સીજેઆઈએ કહ્યું કે, જો તમે અનુચ્છેદ ૩પ-એને પડકારશો તો એ બંધારણીય બેંચ સમક્ષ મોકલવાનો રહેશે. ત્રણ જજોની બેંચ આ બાબત નિર્ણય કરશે.
ત્રણ જજોની બેંચ નિર્ણય આપશે કે મામલાને બંધારણીય બેંચ સમક્ષ મોકલવું કે નહીં. જમ્મુ-કાશ્મીર સરકારે ત્રીજી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સુનાવણી મુલતવી રાખવા માગણી કરી હતી. જેના માટે એમણે સ્થાનિક ચૂંટણીઓનો કારણ આપ્યો હતો. પણ અનુચ્છેદને પડકારનાર વકીલોએ આ અરજીનો વિરોધ કર્યો હતો. અમુક અરજદારોએ અનુચ્છેદ ૩પ-એની તરફેણમાં પણ અરજીઓ દાખલ કરી છે.