(એજન્સી) નવી દિલ્હી, તા.ર૫
જોધપુરની કોર્ટે ગઈકાલે આસારામને સગીરા સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં ઉમર કેદની સજા ફટકારી છે. આ કેસમાં આસારામને જેલના સળિયા પાછળ ધકેલવા અને તેની વિરૂદ્ધ પુરાવા એકત્રિત કરવામાં મુખ્ય ભૂમિકા વરિષ્ઠ પોલીસ અધિકારી અજયપાલ લાંબાની રહી છે. લાંબાએ આ કેસને જ્યારે હાથમાં લીધો ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસને છોડી દેવા માટે લાંબાને ર૦૦૦થી વધુ ધમકીઓ મળી હતી. તેમને ધમકીભર્યા ફોન કોલ્સ પણ આવ્યા હતા અને હજારો ચિઠ્ઠીઓ પણ મળી હતી, જેમાં કેસ ના છોડવા અંગે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.
લાંબાને ર૦ ઓગસ્ટ, ર૦૧૩ના રોજ આસારામનો કેસ મળ્યો, તે સમયે તેઓ જોધપુર પશ્ચિમના ડી.સી.પી. હતા. તેઓ જણાવે છે કે આ કેસમાં તેમને એવી ઘણી ચીજવસ્તુઓ જોવા મળી જે હેરાન-પરેશાન કરનારી રહી, તેમાં સતત ધમકીઓ, સાક્ષીઓની હત્યા અને મીડિયામાં કેસનું રહેવું વગેરે બાબતો સામેલ છે. ર૦૦પ બેચના આઈ.પી.એસ. અધિકારી જણાવે છે, “મને ચિઠ્ઠીઓ મળતી હતી, જેમાં આસારામને કંઈપણ થશે તો મારા પરિવારને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી, ફોન પર નવા નવા નંબરો પરથી આ ધમકીઓ અટકાવાનું નામ જ લેતી નહોતી અને આ બધુ ત્યાં સુધી ચાલતુ રહ્યું જ્યાં સુધી મેં ઉદયપુરમાં સ્થળાંતર ના કર્યું.”
અજયપાલ લાંબા હાલ જોધપુરમાં એસ.પી. (એન્ટી કરપ્શન બ્યુરો)છે. તેઓ જણાવે છે કે આ કેસ સંભાળતી વખતે એક સમય એવો પણ આવ્યો હતો, કે જ્યારે તેમણે તેમની દીકરીને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું હતું. મારી પત્ની પણ કેટલાય દિવસો સુધી ઘરની બહાર નીકળતી નહોતી. તેઓ જણાવે છે કે તપાસ બાદ ૧૦ સપ્તાહમાં તેમણે પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. જો કે લાંબા કહે છે કે તેમણે કોઈપણ પ્રકારનું રાજકીય દબાણ આ કેસની તપાસમાં અનુભવ્યું ન હતું.