(એજન્સી) શાહજહાંપુર, તા.ર૭
રૂપિયા જોઈને ભલ-ભલાની પ્રામાણિકતા ડગમગવા લાગે છે, તેમ છતાંય એક-બે કરોડ નહીં, પરંતુ ત્રણ વખત ૧૯૦ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકાયો હોવા છતાં પણ દીકરીના પિતાની પ્રામાણિકતાને આસારામ ડગમગાવી શક્યો નહીં. તેમની સમક્ષ પ૦ કરોડ રૂપિયાનો પહેલો પ્રસ્તાવ ર૦૧૩માં કેસ દાખલ થયા બાદ જ આસારામે દુબઈથી એક વ્યક્તિ દ્વારા મોકલાવ્યો હતો.
દીકરીના પિતાએ જણાવ્યું કે, જેવો જ તેમણે દિલ્હીમાં આસારામની વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો કે તરત જ તેમના પર કેસ પાછો ખેંચવા અંગેનું દબાણ કરવાની શરૂઆત થઈ ગઈ. આ દરમિયાન જ્યારે કેસ જોધપુર ટ્રાન્સફર થયો તે દરમિયાન તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો. આ ફોન દીકરીના પિતાના નજીકના સંબંધી નીતુ ચૌધરીએ ઉપાડ્યો હતો. બીજી તરફ ફોન કરનારે કહ્યું કે, હું દીકરીના પિતા સાથે વાત કરવા ઈચ્છું છું, ત્યારે દીકરીના પિતાએ વાત કરી. તે સમયે ફોન કરનારે કહ્યું કે, તમારો બેંક એકાઉન્ટ નંબર આપો, અત્યારે જ તેમાં પ૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દઉં, ત્યારબાદ તમે આ કેસને પતાવી દો. દીકરીના પિતાએ આટલી વાત સાંભળીને ફોન કાપી નાખ્યો હતો, ત્યારબાદ કોલરે બીજીવાર ફોન કરવાની હિંમત કરી નહોતી. જે નંબર પરથી કોલ આવ્યો, તે નંબર દુબઈનો હતો. તે સમયે તે નંબરની પોલીસે તપાસ પણ કરી હતી. ત્યારબાદ બીજી વાર દીકરીના પિતાના એક સંબંધી પાસે આસારામના સાગરિતો પહોંચી ગયા, તેમને કહેવામાં આવ્યું કે, પ૦ કરોડ રૂપિયા આપવામાં આવશે, તેના બદલામાં કેસ પૂરો કરાવવો પડશે, ત્યારે દીકરીના પિતાના સંબંધીએ આસારામના સાગરિતોને ભગાડી મૂક્યા હતા. ત્રીજીવાર આસારામના સાગરિતો દીકરીની નાની પાસે પહોંચી ગયા અને તેમને કહ્યું કે ૯૦ કરોડ રૂપિયા આપીશું, કેસ પાછો ખેંચી લો. તે સમયે દીકરીની નાનીએ તે લોકોને જડબાતોડ જવાબ આપીને પાછા મોકલી દીધા હતા.