(એજન્સી) જોધપુર, તા. ૨૫
જોધપુરની ખાસ કોર્ટે બુધવારે સગીરા પર રેપના કેસમાં આસારામને દોષિત ઠરાવી દીધો છે પરંતુ આ સંવેદનશીલ કેસને પરિણામ સુધી પહોંચાડવાનું આટલું સરળ ન હતું. તેની એક મહત્વની કડી આઇપીએસ અધિકારી અજય પાલલાંબા છે. આસારામે તેના આશ્રમમાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારે અજય પાલ લાંબા જોધપુર પશ્ચિમના નાયબ પોલીસ કમિશનર હતા. આસારામ સામેના રેપના કેસની તપાસનું નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે અજયપાલ લાંબાએ તેમની પુત્રીને સ્કૂલે મોકલી ન હતી અને તેમની પત્ની પોતાના ઘરની બહાર નીકળી ન હતી. આસારામ સામેના રેપ કેસની તપાસનું અજયપાલ નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે તેમને ૨,૦૦૦થી વધુ પત્રો અને સેંકડો ફોન કોલ્સ મળ્યા હતા. પત્રો અને ફોન કોલ્સમાં મને અને મારા પરિવારને ગાળો આપવામાં આવતી હતી અને એવી ધમકીઓ આપવામાં આવતી હતી કે જો આસારામને કંઇ પણ થશે તો તેઓ મને અને મારા પરિવારને મારી નાખશે.મારા ફોનની રિંગ સતત ચાલુ રહેતી હતી. છેલ્લે કંટાળીને લાંબાએ અજ્ઞાત નંબર પરથી આવતા કોલ્સ લેવાનું બંધ કરી દીધું હતું. હું જોધપુર શિફ્ટ થયો ત્યાં સુધી ફોન કોલ્સ અને પત્રો ચાલુ રહ્યા હતા.
લાંબાએ જણાવ્યું કે આસારામ અને તેના અનુયાયીઓએ પોલીસને લાલચ આપવાની કોશિશ કરી હતી. તેમને જંગી રકમ આપવાની ઓફરથી માંડીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી. આ બધું થવાની સાથે લોકોના વિશ્વાસે તેમને આગળ વધવા પ્રેરિત કર્યું. તેમને મળેલા ૨૦૦૦થી પત્રોમાં લોકોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આસારામ પોલીસના સકંજામાં કેવી રીતે આવ્યો અને તેમાં લાંબાની શું ભૂમિકા હતા, એ જાણવાનું જરુરી છે. અજય લાંબા એ દિવસે પોતાની ઓફિસમાં હતા ત્યારે દિલ્હીની એક ટીમ એક સગીરા અને તેના માતા-પિતા સાથે ૨૦૧૩ની ૨૧મી ઓગસ્ટે તેમની પાસે આવી હતી. સગીરાએ આસારામ સામે બળાત્કારનો આરોપ મુક્યો હતો. જોકે, તે વખતે તેમને એવું લાગ્યું હતું કે કદાચ આસારામની છબ બગાડવાની કોશિશ કરવામાં આવી રહી છે, તેથી આઇપીએસ અધિકારી લાંબાએ સગીરા અને તેના માતા-પિતાની વાત પર ભરોસો કર્યો ન હતો. તેમણે કહ્યું કે મને ખોટું પુરવાર કરીને છોકરીએ જોધપુરથી આશરે ૩૮ કિલોમીટર દૂર આસારામના મણઇ ગામ સ્થિત આશ્રમનો એક સચોટ નક્શો બતાવ્યો. આ આશ્રમમાં તેની સાથે આસારામે દુષ્કર્મ કર્યું હતું. ત્યારે તેમને લાગ્યું કે કોઇ વ્યક્તિ ઘટના સ્થળનો નક્શો ત્યાં ગયા વગર કેવી રીતે બતાવી શકે છે.ત્યાંથી તેમણે તપાસ શરુ કરી. બાદમાં તેમને ખબર પડી કે મેરઠના એક પરિવારે પણ સ્થાનિક પોલીસ પાસે આસારામ સામે આવી જ ફરિયાદ કરી હતી. લાંબા એ પરિવારને મળવા મેરઠ ગયા તો પરિવારે ફરિયાદ કરવાનો ઇનકાર કરી દીધો. તેની પોલીસની શંકા વધુ ઘેરી બની ગઇ. પોલીસને ૩૧મીઓગસ્ટે ભારેસફળતા મળી. લાંબા બતાવે છે કે આસારામ ક્યાં છે, તેના વિશે અમારી પાસે કોઇ માહિતી ન હતી. તેમછતાં પાંચ પોલીસ અધિકારી અને ૬ કમાન્ડોની ટીમ ઇન્દોર સ્થિત આશ્રમ ખાતે મોકલવામાં આવી હતી. તે વખતે જોધપુરમાં અમે એક પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં અમે કહ્યું ક આસારામ અમારા રડાર પર છે. તેનાથી ખિજાઇને આસારામ ભોપાલ અરેપોર્ટ પહોંચ્યો હતો. અમે આ વાત મીડિયા કર્મીઓને બતાવી દેતા અને પત્રકારો આસારામનો પીછો કરવા લાગ્યા. આસારામ તેના ઇન્દોર સ્થિત આશ્રમમાં પહોંચી ગયો પરંતુ તેને ખબર ન હતી કે અમારી ટીમ પણ શહેરમાં જ છે.