(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
રાજસ્થાનના જોધપુરમાં પોતાના આશ્રમમાં સગીરા પર બળાત્કાર ગુજારવા બદલ પોલીસે સપ્ટેમ્બર ૨૦૧૩માં આસારામની ધરપકડ કરી હતી. આસારામની વિરુદ્ધમાં જુબાની આપનારાઓને આસારામ અને તેના પુત્ર નારાયણ સાઇના અનુયાયીઓએ ધમકી આપી છે. સુરતની બે બહેનો ૧૯૯૭થી ૨૦૦૬ દરમિયાન અમદાવાદ અને સુરતમાં આવેલા આસારામના આશ્રમમાં રોકાઇ હતી ત્યારે તેમના પર બળાત્કાર ગુજારવાનો આસારામ અને નારાયણ સાઇ સામે બંને બહેનોએ આરોપ મુક્યો હતો. આસારામ અને નારાયણ સામે અદાલતોમાં કેસનો ખટલો ચાલુ છે ત્યારે આ કેસોમાંના ૩ સાક્ષીઓને મારી નાખવામાં આવ્યા છે અને અન્યો પર હુમલા કરાયા છે અને કેટલાકને ધમકી આપવામાં આવી છે.
– સપ્ટેમ્બર ૨૦૧૩ : બળાત્કારના કેસમાં આસારામને જામીન આપવા માટે જોધપુરની સેશન્સ કોર્ટના જજ મનોજ કુમાર વ્યાસને ધમકી આપવામાં આવી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે કેસ હાથ ધરી રહેલા અધિકારીઓને આસારામના સમર્થકો ધમકી આપી રહ્યા છે અને આસારામની ધરપકડ કરનારા અધિકારીઓને લાંચ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આસારામે આ બધા આરોપો ફગાવી દીધા.
– ડિસેમ્બર ૨૦૧૩ : આસારામ સામે રેપનો આરોપ મુકનાર મહિલાના પતિને સુરતમાં ચપ્પાના ઘા ઝીંકવામાં આવ્યા હતા. આ મહિલાની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાઇ સામે રેપનો ઓરોપ મુક્યો હતો.
– માર્ચ ૨૦૧૪ : સુરતામાં આસારામના ભૂતપૂર્વ અનુયાયી દિનેશ ભાવચંદાની પર બાઇક પર આવેલી બે વ્યક્તિ દ્વારા એસિડ ફેંકવામાં આવ્યું હતું. આસારામ સામે બોલનારાઓને ભાવચંદાનીએ કાનૂની સહાય આપી હતી.
– મે ૨૦૧૪ : આસારામના આયુર્વેદિક ડોક્ટર તરીકે ૧૨ વર્ષ સુધી સેવા આપનાર અમૃત પ્રજાપતિને ગુજરાતના રાજકોટ શહેરમાં તેની ક્લિનિકની બહાર ઠાર મારવામાં આવ્યો હતો. અમૃતે આસારામની વિરુદ્ધમાં જુબાની આપી હતી. અમદાવાદમાં આસારામ દ્વારા ચલાવવામાં આવતી સ્કૂલ ગુરુકુળમાં ભણતા બે છોકરાઓની હત્યા બાદ અમૃત પ્રજાપતિ આસારામની વિરુદ્ધમાં થઇ ગયો હતો.
– જાન્યુઆરી, ૨૦૧૫ : આસારામનો સહાયક અને રસોઇયો અખિલ ગુપ્તાને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર શહેરમાં ઠાર મારવામાં આવ્યો હતો. સુરતની બે બહેનો પર બળાત્કાર ગુજારવાના
કેસમાં ગુપ્તાએ આસારામની વિરુદ્ધમાં જુબાની આપી હતી.
– ફેબ્રુઆરી ૨૦૧૫ : આસારામ અને નારાયણ સાઇ સામેને રેપના કેસોમાં મહત્વનો સાક્ષી આસારામનો ભૂતપૂર્વ ફિઝીશિયન રાહુલ કે. સચનને જોધપુરની સેશન્સ કોર્ટમાં આસારામના અનુયાયીઓ દ્વારા ચપ્પાના ઘા ઝીંકવામાં આવ્યા હતા.
– મે ૨૦૧૫ઃ આસારામનો ભૂતપૂર્વ સહાયક મહેન્દ્ર ચાવલા પર બે હુમલાખોરો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. ચાવલા ગોળીબારમાં ઘવાયો હતો. આસારામ અને સાઇ સામેના રેપના કેસોમાં ચાવલા છઠ્ઠો સાક્ષી છે.
– જુલાઇ ૨૦૧૫ : સુધા પાઠક આસારામ સામેના રેપના કેસમાં સાક્ષી હતી પરંતુ તે હોસ્ટાઇલ થઇ હતી અને જોધપુરની સેશન્સ કોર્ટમાં તેણે કહ્યું હતું કે આસારામ તેના આશ્રમમાં શું કરે છે, તેના વિશે તેની પાસે કોઇ માહિતી નથી.
– જુલાઇ ૨૦૧૫ : જોધપુર રેપ કેસમાં સાક્ષી કૃપાલસિંહ પર ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. એક દિવસ બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

ટાંગેવાલા, ગોડમેન અને હવે રેપનો દોષિત આસારામ
આસારામ તરીકે જાણીતા આસુમલ શિરૂમલાણીને રેપ કેસમાં આજીવન કેદની સજા ફટકારાઇ છે. આસારામ બાપુનો જન્મ ૧૯૪૧માં આજના પાકિસ્તાનના સિધ પ્રાંતમાં થયો હતો.પોતાને ગોડમેન તરીકે ગણાવ્યા પહેલા આસારામ અજમેરમાં ટાંગો ચલાવતો હતો અને શ્રદ્ધાળુઓને અજમેર શરીફની દરગાહે લઇ જતો હતો.ગુજરાતની એક શાળામાં ધોરણ ૩ સુધી અભ્યાસ કર્યા બાદ આસારામે પોતાના પરિવારને છોડી ભરૂચના આશ્રમમાં જતો રહ્યો હતો. તેના ગુરૂએ તેને ‘આસારામ બાપુ’ નામ આપ્યું. વર્ષ ૧૯૭૨માં આસારામે પોતાનું પ્રથમ આશ્રમ અમદાવાદ નજીક મોટેરા પાસે સાબરમતી નદીના કિનારે બાંધ્યું. ૨૩૦૦ કરોૃ રૂપિયાની મિલકતોનો આસામી આસારામ પાસે આજે ભારતભરમાં ૪૦૦ આશ્રમ છે. તેની વેબસાઇટ અનુસાર તેના લાખો ભક્તોમાં ભાજપના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી, એલકે અડવાણી, કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલનો પણ સમાવેશ થાય છે. આસારામ ત્યારે વિવાદમાં સપડાયો જ્યારે તેણે દિલ્હી ગેંગરેપ અંગે નિવેદન આપતા કહ્યું કે, ‘ભૂલ એક તરફથી ના થાય’. જોકે, અમદાવાદનું આશ્રમ ૨૦૦૮માં ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે બે નાના પિતરાઇ ભાઇ અભિષેક અને દિપેશ આશ્રમમાંથી ગુમ થઇ ગયા બાદ તેમના મૃતદેહો સાબરમતી આશ્રમના પટમાંથી મળી આવ્યા હતા. તેમના પર આસારામ અને તેના ભક્તો દ્વારા તાંત્રિક વિધિ કરાઇ હોવાના આરોપ લાગ્યા હતા. આ ઉપરાંત બની બેઠેલા ગોડમેન સામે જમીન પચાવ પાડવા અને જાતીય સતામણીના ઘણા કેસો છે. સુરતની બે બહેનો પર બળાત્કારના આરોપ પણ તેના પર લાગ્યા છે. આ કેસમાં તેનો પુત્ર નારાયણ સાંઇ પણ આરોપી છે.