(એજન્સી) જયપુર, તા.૧૧
૧૬ વર્ષની સગીરા સાથે જાતિય શોષણના ગુનામાં રાજસ્થાનની જોધપુર જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આસારામે પોતાની સજા ઓછી કરવા માટે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહને અરજી મોકલી છે. પાંચ વર્ષ પહેલા જોધપુરના મનઇ વિસ્તારમાં સ્થિત પોતાના આશ્રમમાં સગીરાને બોલાવીને તેની પર બળાત્કાર ગુજારવાના અપરાધમાં દોષી આસારામને જોધપુર કોર્ટે ૨૫ એપ્રિલે આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
રાજ્યપાલ કલ્યાણ સિંહે જણાવ્યું હતું કે તેમને હાલમાં જ આસારામની માફી અરજી મળી છે, જેને ગૃહ મંત્રાલય પાસે મોકલી અપાઇ છે. પોતાની અરજીમાં આસારામે તેની વધતી ઉમર સામે ઉમરકેદની સજાને ઓછી કરવાની માંગણી કરી હતી. આ પહેલાં પણ આસારામે પોતાની સજાને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરી હતી પરંતુ હાલમાં તેની પર કોઇ સુનાવણી કરાઇ નથી.
માફી અરજીના મામલે જોધપુર સેન્ટ્રલ જેલના મુખ્ય અધિકારી કૈલાશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેઓને આસારામની માફી અરજી મળી છે, જે અંગેનો રિપોર્ટ જીલ્લા પ્રશાસન અને પોલીસને મોકલવાનો રહેશે.