(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
અભિનેતા રાહુલ રોય આજે પક્ષના વડામથકે કેન્દ્રીય મંત્રી વિજય ગોયલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે, આ એક વિશિષ્ઠ દિવસ હતો તેથી પક્ષનો આભાર માનું છું. અભિનેતા રાહુલ રોયે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહે દેશને આગળ વધારી દુનિયામાં નામના વધારી છે તેથી હું આ નિર્ણય લેવા પ્રભાવિત થયો છું. દેશને આગળ લઈ જવા પક્ષ દ્વારા જે કામ સોંપાશે તે વિશ્વાસપૂર્વક કરીશ. અભિનેતાએ રર વર્ષની વયે બોલીવુડમાં ૧૯૯૦માં પગ મૂકી આશિકી ફિલ્મમાં અભિનય કરી નામના મેળવી હતી. આ ઉપરાંત જનૂન, ફિર તેરી કહાની યાદ આઈ જેવી સુપરહિટ ફિલ્મો બહાર પાડી હતી. તેઓ ટીવી રિયાલિટી શો બિગબોસમાં પણ વિજેતા થયા હતા.

બીજેપીમાં સામેલ થયા બાદ અભિનેતા રાહુલ રોય થયા ટ્રોલ

(એજન્સી) મુંબઈ,તા.૧૮
૯૦ના દાયકામાં રાતોરાત સ્ટાર બનનારા અભિનેતા રાહુલ રોયે બોલિવુડમાં તો કમાલ કરી શકયા નહીં પરંતુ શનિવારે (૧૮ નવેમ્બર) તેઓ ભાજપામાં જોડાઈ ગયા છે. રાહુલ રોય દિલ્હીમાં ભાજપા નેતા અને સાંસદ વિજય ગોયલની હાજરીમાં તે પક્ષમાં સામેલ થયા.
ફિલ્મ ‘આશિકી’થી પ્રખ્યાત થયેલા અભિનેતા રાહુલ રોયની ફિલ્મ કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હતી. ત્યાર બાદ તેમણે ટેલિવિઝન પર પણ પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં પણ તેમને સફળતા પ્રાપ્ત થઈ નહીં હાલના દિવસોમાં રાજકીય હવાનું વાતાવરણ ગરમ છે આવામાં આશા રાખવામાં આવી રહી છે કે બીજેપીનો પાલવ પકડયા બાદ કદાચ રાહુલ રોયની કારકિર્દી ઘડાઈ જાય.
બીજેપી સાથે જોડાયા બાદ સોશિયલ મીડિયા પર રાહુલ રોય ટ્રોલ થવા લાગ્યા અને સેંકડોની સંખ્યામાં લોકોએ આ વિશે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી. જયારે કેટલાક લોકોએ તેને રાજકીય ચતુરાઈનો કરાર આપ્યો, તો બીજી તરફ કેટલાક લોકોએ રાહુલ રોયની મજાક ઉડાવતા ટવીટ પણ કરી. એક યુઝરે લખ્યું છે કે રાહુલ રોય બાદ ટૂંક સમયમાં જ ઉદય ચોપડા ડીનો મોરિયા પણ બીજેપીમાં સામેલ થશે. અન્ય એક યુઝરે લખ્યું છે કે આ નામ કયાંક સાંભળ્યું હોય તેવું લાગે છે, કોણ છે આ જયારે અન્ય યુઝરે લખ્યું હતું કે શું વાત છે, જેમની સાથે ફલોપ શબ્દ જોડાયેલો છે તે બધા જ શરણમાં જઈ રહ્યા છે.