અમદાવાદ, તા.૨૫
એ.કે. સિંઘની એનએસજીમાં નિમણૂક થતાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટિયાની કાયમી નિમણૂક કરાઈ છે. છેલ્લાં કેટલાક દિવસોથી તેઓ ઈન્ચાર્જ કમિશનર તરીકે આ હોદ્દો સંભાળી રહ્યા હતા. ૧૯૮૫ની બેંચના આઈપીએસ ઓફિસર આશિષ ભાટિયા સૌથી વરિષ્ઠ અધિકારીઓમાંના એક છે. સીઆઇડી ક્રાઈમના વડા તરીકે સંજય શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદના નવા કમિશનર ભાટિયા ૨૦૧૬માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા ભાટિયાને ૨૦૦૧માં પોલીસ મેડલ અને ૨૦૧૧માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે. અમદાવાદમાં કમિશનર તરીકે નિમાતા પહેલાં તેઓ સીઆઈડી, ક્રાઈમ અને રેલવેના ડીજીપી હતા.
૫૭ વર્ષના ભાટિયા મૂળ હરિયાણાના વતની છે અને તેઓ છેલ્લાં ૨૦ વર્ષમાં ગુજરાત પોલીસના અનેક વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે. ૨૦૦૨માં રાજ્યમાં થયેલા કોમી રમખાણોમાંના નવ કેસની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવાયેલી જીૈં્‌ના પણ તેઓ સભ્ય હતા.