કોલકાત્તા, તા.૨૫
ભારત માટે ૧૩ વનડે અને ૯ ટી૨૦ મેચ રમનારા અશોક ડિંડાને બંગાળની રણજી ટીમથી બહાર કરી દેવામાં આવ્યો છે. અશોક ડિંડા પર રણજી ટ્રોફી મેચ પહેલાં બંગાળના બોલિંગ કોચ સાથે ગેરવર્તણૂંક કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ૪૨૦ વિકેટ લેનારા અશોક ડિંડા પર આરોપ છે કે તેણે મંગળવારે બંગાળના બોલિંગ કોચ રણદેવ બોસને અપશબ્દો કહ્યા. આ ઘટના બાદ બંગાળ ક્રિકેટ એસોસિએશને બેઠક બોલાવી ત્યારબાદ ડિંડા પર અનુશાસનાત્મક કાર્યવાહી કરતાં તેને આંધ્રપ્રદેશની વિરૂદ્ધ રમાનારી મેચ પહેલાં ટીમમાંથી બહાર કરી દીધો છે.
પ્રકાશિત અહેવાલ મુજબ, અશોક ડિંડાને ટીમથી બહાર કરતાં બંગાળ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીએ બેઠક બોલાવી જ્યાં ડિંડા અને બોલિંગ કોચ બોસને બોલાવવામાં આવ્યા. બેઠકમાં ડિંડાને બોસથી માફી માંગવા માટે કહેવામાં આવ્યું, પરંતુ ડિંડાએ તેવું કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. બંગાળ ક્રિકેટ એસોસિએશને કહ્યું કે, જો ડિંડા માફી માંગી લેત તો તેને ટીમથી બહાર ન કરવામાં આવતો, કારણ કે આંધ્ર પ્રદેશની વિરૂદ્ધ રમાનારી મેચ માટે અશોક ડિંડા બંગાળની ટીમ માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી હતો.