(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
રાજસ્થાન કોંગ્રેસ રાજ્યમાં ભાજપ સરકાર સામે આક્રમક થઇ ગઇ છે. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ભાજપના પ્રમુખ અમિતશાહને રાજ્યની ચૂંટણીઓમાં તેમના પક્ષના ચહેરા વિશે સ્પષ્ટતા કરવાનું કહ્યું છે. કોંગ્રેસે અમિતશાહને એવું પૂછ્યું કે શું તેમના પક્ષનો ચહેરો રાજસ્થાનનાં વર્તમાન મુખ્યપ્રધાન વસુંધરા રાજે અથવા ભાજપનું પ્રતીક કમળ હશે. રાજસ્થાનમાં કોંગ્રેસ એવું ઇચ્છે છે કે આ લડાઇ રાજ્ય કોંગ્રેસ વિરૂદ્ધ વસુંધરા રાજે વચ્ચેની રહે. ગેહલોતે રાજ્યમાં ક્રાઇમના ઉંચા ગ્રાફ, યુવાઓ, ખેડૂતો, વેપારીઓ અને મજૂરોની પીડાઓ માટે રાજસ્થાન સરકારને જવાબદાર ઠરાવી છે અને તેને કુુશાસન ગણાવ્યું છે. જોકે, ગેહલોતે રાજસ્થાન કોંગ્રેસની હોટ સીટ પર કોણ છે ? એ પ્રશ્નનો સીધો જવાબ આપવાનું ટાળીને જણાવ્યું કે સમય બતાવશે કે હોટ સીટ પર કોણ છે. કોંગ્રેસે એવું પણ જણાવ્યું કે વસુંધરા રાજે સરકારને રાજ્યના લોકોની કોઇ ચિંતા નથી. લોકોમાં ભાજપ સામે રોષ છે. રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે કે ભાજપ પ્રમુખ અમિતશાહે આવે, તેનાથી કોઇ ફરક પડવાનો નથી. લોકોએ તો નક્કી કરી લીધું છે.