(એજન્સી) તા.૧૮
રાજસ્થાનના મુખ્યપ્રધાન પદે શપથગ્રહણ કર્યા બાદ પોતાની પ્રથમ મુલાકાતમાં અશોક ગેહલોતે જણાવ્યું હતું કે તેમની અગ્રીમતા રાજ્યમાં કોમવાદી માહોલને સુધારવાની અને ભ્રષ્ટાચાર તેમજ કાયદો-વ્યવસ્થાના અભાવ જેવી સમસ્યાઓ ઉકેલવાની છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ અને તેમના નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ એક ટીમ તરીકે સાથે મળીને કામ કરશે. અત્રે તેમની સાથેની મુલાકાતના મહત્વના અંશો પ્રસ્તુત છે.
રાજસ્થાનના મુખ્યપ્રધાન પદે ત્રીજી વખત શપથગ્રહણ કરનાર અશોક ગેહલોતે પોતાની અગ્રમતા અંગે વાત કરતા જણાવ્યું હતું કે મારું ધ્યેય રાજસ્થાનને નવી ઊંચાઇએ લઇ જવાનું છે. મારી અગ્રીમતા સરળ છે-સારું પ્રશાસન. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ શાસન હેઠળ સુશાસનનો અભાવ હતો. રાજ્ય સામે ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થા જેવા મહત્વના મુદ્દાઓ છે. ઈસ સબકો ઠીક કરના પડેગા. મારી અગ્રીમતાની યાદીમાં રોજગાર સર્જન પણ છે. આ ઉપરાંત હમ માહોલ ઠીક કરેંગેં રાજસ્થાનમાં એવું જણાવીને તેમણે ઉમેર્યું હતું કે રાજસ્થાનમાં કોમી એખલાસ સ્થાપવાની તેમની અગ્રીમતા છે. જ્યારે અશોક ગેહલોતનું ધ્યાન દોરવામાં આવ્યું કે ભાજપ હજુ પણ કહે છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તેમનો દેખાવ સારો રહેશે ત્યારે આ સાંભળીને અશોક ગેહલોતે જણાવ્યું હતું કે ૨૦૦૮માં જ્યારે ભાજપ હારી ગયું હતું ત્યારે પણ તેમણે ૨૦૦૯ની લોકસભા ચૂંટણી અંગે આવું જ કહ્યું હતું. ૨૦૦૮ની રાજ્યની ચૂંટણીમાં ભાજપને ૭૮ બેઠક મળી હતી અને અમને ૯૬ મળી હતી. ૨૦૦૯માં જ્યારે હું મુખ્ય પ્રધાન હતો ત્યારે અમને રાજ્યમાં ૨૫માંથી ૨૦ બેઠકો મળી હતી. આ વખતે ૨૦૦૮માં ૭૮ બેઠકની સામે રાજ્યમાં ભાજપની બેઠકો ઘટીને ૭૩ થઇ ગઇ છે. આથી મારું માનવું છે કે ૨૦૧૯માં અમે અમારી સ્થિતિમાં વધુ સુધારો કરીશું અને કોંગ્રેસ ૨૦૧૯માં રાજસ્થાનમાં ૨૫માંથી ૨૦ કરતા વધુ બેઠકો જીતશે.