(એજન્સી) અજમેર, તા.૧૪
સંરક્ષણ દળોની કાર્યવાહીનું રાજકીયકરણ કરવાનો મોદી સરકાર સામે આરોપ મુકતા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે એવો દાવો કર્યો કે કોંગ્રેસના શાસનમાં ૧૫ સર્જિકલ સ્ટ્રાઇક થઇ હતી પરંતુ કોંગ્રેસે તેના વિશે ક્યારેય વાત કરી ન હતી. તેમણે એવું કહ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરૂ અને ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્ર માટે વિશાળ યોગદાન આપ્યું છે પરંતુ મોદી સરકારે તેમના યોગદાન પર ક્યારેય પ્રકાશ પાડ્યો નથી અને તેના બદલે ગાંધી પરિવારને બદનામ કર્યો છે. દેશના લોકો નિર્દોષ અને ભોળા છે. દેશવાસીઓને એવું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે પરંતુ અગાઉ ૧૫ સર્જિકલ સ્ટ્રાઇક થઇ ચુકી છે. કોંગ્રેસના શાસનમાં ૧૫ સર્જિકલ સ્ટ્રાઇક થઇ પરંતુ કોંગ્રેસે ક્યારેય કહ્યું નથી કે સર્જિકલ સ્ટ્રાઇક થઇ છે. અશોક ગેહલોતે પત્રકારોને જણાવ્યું કે આવી ઘટનાઓ વિશે સરકાર દ્વારા કહેવાની બાબત સારી નથી. તેમણે એવું પણ કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન અને ઇસરો દ્વારા સેટેલાઇટ્‌સ લોન્ચ કરવામાં આવ્યા પરંતુ આ બાબતની એવી રીતે રજૂઆત કરવામાં આવી જેમ કે મોદીના શાસનમાં જ સેટેલાઇટ્‌સ લોન્ચ કરવામાં આવ્યા છે. ઇસરો બનાવવા અને સેંકડો સેટેલાઇટ્‌સ લોન્ચ કરવામાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને વર્ષો લાગી ગયા હતા.