(એજન્સી) તા.૨૬
સોમવારે રાજસ્થાન કેબિનેટમાં સ્થાન આપવામાં આવેલ ૨૩ ધારાસભ્યોમાં ૩ પીએચડી, ૬ એલએલબી, ૨ એમબીએ અને એક એન્જિનીયરીંગની ડિગ્રી ધરાવે છે. સાત પ્રધાનો અન્ડર ગ્રેજ્યુએટ છે. કેબિનેટમાં શપથ લેનાર ૨૩ ધારાસભ્યોમાંથી ૮ ધારાસભ્યો પર પોલીસ કેસ થયેલા છે અને બે પ્રધાનોને બાદ કરતા મોટા ભાગના પ્રધાનો સોશિયલ મીડિયા પર સક્રિય છે. એન્જિનિયરીંગમાં સ્નાતક રમેશચંદ્ર મીણાએ ૧૯૯૩માં સિવિલ એન્જિનીયરીંગની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. કરૌલી જિલ્લાના સપોટરાથી ધારાસભ્ય પદે ચૂંટાયેલા મિણાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા. કેબિનેટ પ્રધાન તરીકે શપથગ્રહણ કરનાર ડો. બી ડી કલ્લા, ડો.રઘુ શર્મા અને રાષ્ટ્રીય લોકદળના ધારાસભ્ય ડો. સુભાષ ગર્ગ પાસે ડોક્ટર ઓફ ફિલોસોફી (પીએચડી)ની ડિગ્રી છે. કલ્લા અને રઘુ શર્મા કાયદામાં પણ સ્નાતકની ડિગ્રી ધરાવે છે. ચૂંટણી વિભાગને ચૂંટણી માટે રજૂ કરેલ એફિડેવિટ અનુસાર શપથ ગ્રહણ કરનાર ધારાસભ્યોમાં સામેલ શાંતિ ધારીવાલ, ગોવિંદ સી ડોટાસરા, સુખરામ બિસ્નોઇ અને ટીકારામ જેલી પણ કાયદાના સ્નાતક છે. જ્યારે રઘુ શર્મા અને કેબિનેટમાં સામેલ એક માત્ર મહિલા પ્રધાન મમતા ભૂપેશ એમબીએની ડિગ્રી ધરાવે છે.
એ જ રીતે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લેનાર ભજનલાલ જાટવ ધો.૧૦ પાસ છે જ્યારે કેબિનેટ પ્રધાન ઉદયલાલ અને રાજ્કક્ષાના પ્રધાન અર્જુન બામણિયાએ સ્નાતકના બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યો છે અને પાંચ પ્રધાનોની શૈક્ષણિક લાયકાત સેકન્ડરી કે તેની સમકક્ષ છે. આ ઉપરાંત ૮ પ્રધાનો- લાલચંદ કટારિયા, વિશ્વેન્દ્રસિંહ, રમેશચંદ્ર મિણા, અર્જુનસિંહ બામણિયા, ભવરસિંહ ભાટી, અશોક ચાંદના, ભજનલાલ અને ટીકારામ જેલી વિરુદ્ધ પોલીસ કેસ પડતર છે. જ્યારે સૌથી વધુ ૧૦ કેસ યુવાન પ્રધાન અશોક ચાંદના સામે થયા છે.