(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે ફરીવાર કેન્દ્ર અને ભાજપ સામે પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ભાજપ અને સંઘના નેતાઓ આજે મહાત્મા ગાંધીનું નામ લે એ કોંગ્રેસની અને મહાત્મા ગાંધીની વિચારધારાની સૌથી મોટી જીત છે. શાસક ભાજપ અને આરએસએસ આજે ગાંધીજીનું નામ લઇ રહ્યા છે. ભાજપ અને સંઘે ક્યારેય ગાંધીજીના મુલ્યને સ્વિકાર્યા નથી. આજે દુનિયા મહાત્મા ગાંધીના સિદ્ધાંત વગર નથી ચાલી શકતી, તેથી ભાજપ અને સંઘે પોતાની ભૂલ બાદ માફી માગવી જોઈએ. જયપુરમાં એક ઇવેન્ટને સંબોધતા અશોક ગેહલોતે એવો પ્રશ્ન કર્યો કે ૭૫ વર્ષ પહેલા તેમની શું વિચારસરણી હતી ? શું તેઓેએ ક્યારેય ગાંધીજી, સરદાર પટેલ અને ડો.આંબેડકરના નામ લીધા હતા ? તેમણે જણાવ્યું કે આજે ભાજપ અને આરએસએસ આપણા નેતાઓનું નામ લઇ રહ્યા છે. આ આપણી નીતિઓ, કાર્યક્રમો અને માન્યતાઓ, આસ્થા અને ભરોસાનો વિજય છે. તેમણે કહ્યુ કે, ભાજપના નેતાઓએ હંમેશા ગાંધીજીનું અપમાન કર્યુ છે. ગાંધીના મુલ્યને ભાજપ અને સંઘે ક્યારેય સ્વિકાર્યા નથી. અને ગાંધીના નામે વોટબેંકની રાજનીતિ ભાજપ દ્વારા કરવામાં આવે છે. અશોક ગહેલોતના આ પ્રકારના નિવેદન બાદ ભાજપે પણ કોંગ્રેસનો વિરોધ કર્યો છે.