અમદાવાદ, તા.૧ર
છેલ્લા ચાર દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેને લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આસો મહિનામાં અષાઢી માહોલ સર્જાતા ઝરમરથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આગામી ત્રણ દિવસ પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં અનેક સ્થળોએ હળવા ઝાપટાં પડવાની વકી છે જ્યારે ગુરૂવારે વરસેલા ધોધમાર વરસાદને પગલે અમરેલીના રાજુલા પંથકની સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. આ વરસાદને પગલે ડાંગર અને મગફળીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. આસો મહિનામાં અષાઢી માહોલ સર્જાતા મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર રી-એન્ટ્રી કરી છે જેને પગલે ડાંગના વધઈમાં પ ઈંચ જ્યારે સોનગઢમાં ૪ ઈંચ, અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. તદુપરાંત નવસારી, અમરેલી, સુરત, બોટાદ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, કોડીનાર, ભરૂચ સહિતના પંથકમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદને પગલે અનેક સ્થળોએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકની કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી તો માર્ગો પર પાણી ભરાયા હતા. તદુપરાંત સુરત, ભરૂચ, નવસારીના પણ વરસાદ વરસી રહ્યાના અહેવાલો સપડાયા છે. જ્યારે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોની સાથે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યમાં આગામી બે દિવસ પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ અને વાતાવરણને પગલે ડાંગર, મગફળી અને કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. બીજી તરફ તાપમાનનો પારો અને ભેજનું પ્રમાણ વધતાં લોકો અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા છે.