(એજન્સી) પટના, તા.૭
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એક સમયે રાષ્ટ્રીય જનતાદળના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવની નજીક ગણાતા વરિષ્ઠ નેતા અશરફ ફાતમી જનતાદળ યુનાઈટેડ (જેડીયુ)માં સામેલ થયા હતા. ફાતમી સિમાંચલના વરિષ્ઠ લઘુમતી નેતા માનવામાં આવે છે. ગત લોકસભા ચૂંટણીમાં મધુબની બેઠક પરથી પાર્ટીની ટિકિટ ન મળતાં તેઓએ રાજદ સામે બળવો કર્યો હતો. ત્યારે પાર્ટીનું નેતૃત્વ કરી રહેલા તેજસ્વી યાદવ અંગે તેમણે જણાવ્યું હતું કે, તેજસ્વીની વય કરતાં વધુ વર્ષ તેમને રાજકારણમાં થઈ ગયા છે. રાજદમાંથી ટિકિટ ન મળતાં તેઓ બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર મધુબનીથી ચૂંટણી લડ્યા હતા. જો કે, તેઓ કોંગ્રેસના બળવાખોર નેતા શકીલ અહેમદના ટેકામાં ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા હતા. આ બળવાના કારણે રાજદે તેમની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી હતી.