અમદાવાદ, તા.૩૦
અમદાવાદ શહેરના સાબરમતી ખાતે આવેલા ગાંધી આશ્રમને વિકાસના નામે સરકાર દ્વારા આશ્રમમાં રહેતા ર૦૦ પરિવારને ત્યાંથી હટાવીને ર૦૦ મકાન ખાલી કરવાનો આદેશ કર્યો છે, જેને પગલે આશ્રમવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આશ્રમવાસીઓને તા.રજી ઓકટોબરે ગાંધી આશ્રમે આવનારા પીએમ મોદીને મળીને આ મામલે રજૂઆત કરવાની ઈચ્છા છે, પરંતુ તેમને મળવા નહીં દેવાય, તો તેઓ દિલ્હી સુધી રજૂઆત કરવા જશે, તેમ છતાં જો કોઈ ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાળ કરશે, તેમજ જરૂર પડશે, તો કોર્ટના દ્વાર પણ ખટખટાવવાની તૈયારી કરી દીધી છે. અમદાવાદના ગાંધી આશ્રમને વૈશ્વિક સ્તરનું વિકસાવવાની સરકારની વિચારણાને પગલે આશ્રમવાસીઓમાં નારાજગી ફેલાઈ ગઈ છે. એક તરફ મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગાંધીજીના સ્વતંત્રતા સંગ્રામમાં સાથે રહેનારા સહિત અનેક લોકોને ગાંધી આશ્રમમાં રહેવા મકાનો ફાળવ્યા હતા, ત્યારે ગાંધી આશ્રમને નવો લૂક આપવાના આશયે આશ્રમના ર૦૦ મકાનો ખાલી કરાવવા હિલચાલ શરૂ કરી દેવાઈ છે, ત્યારે ર૦૦ મકાનોમાં રહેતા ૧ર૦૦ જેટલા આશ્રમવાસીઓએ મકાનો ખાલી કરાવવાની બાબતે વિરોધ કર્યો છે, તેમજ મકાનો ખાલી નહીં કરવા તેમજ ભૂખ હડતાળ સહિત આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આશ્રમવાસીઓમાં હાલ મકાનો ખાલી નહીં કરવા મામલે મીટિંગોનો દૌર ચાલી રહ્યો છે, ત્યારે આશ્રમવાસી શૈલેષ રાઠોડે વાતચીતમાં જણાવ્યું હતું કે, મકાનો ખાલી કરવા મામલે અમે આશ્રમના ટ્રસ્ટી સાથે ચર્ચા કરવા ગયા હતા, ત્યારે ટ્રસ્ટીએ તેમને સરકાર તરફથી આ મામલે કોઈપણ જાણ કરવામાં આવી ન હોવાનું કહીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. જો કે, આગામી તા.ર ઓકટોબરે ગાંધી આશ્રમમાં યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે, ત્યારે અમે આશ્રમવાસીઓ પીએમ મોદીને મળીને આ મામલે રજૂઆત કરવાનું ઈચ્છી રહ્યા છે, પરંતુ જો તેઓ સમય નહીં આપે તો અમે પીએમ મોદીને રજૂઆત કરવા છેેક દિલ્હી સુધી જઈશું, તેમ છતાં જો કોઈ ઉકેલ નહીં આવે તો અમે લડી લઈશું. ભૂખ હડતાળથી લઈને કોર્ટના દ્વાર ખટખટાવવા સુધી અમે કયાંય પાછા પડીશું નહીં. વધુમાં શૈલેષ રાઠોડે જણાવ્યું હતું કે, આશ્રમવાસીઓ આ મામલે મીટિંગો કરી રહ્યા છે, ત્યારે આગામી રણનીતિ મુજબ કેવી રીતે આંદોલન કરવું, તે અંગે તા.રજી ઓકટોબર બાદ જાહેર કરીશું.

આશ્રમવાસીઓને ઝૂંપડપટ્ટીમાં શીફટ કરવા માંગે છે સરકાર

સરકાર આશ્રમવાસીઓને આશ્રમના ર૦૦ મકાનો ખાલી કરાવીને તેમને રામાપીરના ટેકરા પાસે ઝૂંપડપટ્ટીમાં સ્થળાંતર કરવાનું જણાવ્યું છે તો સરકાર આશ્રમવાસીઓને ઝૂંપડપટ્ટીમાં શીફટ કરીને શું કહેવા માંગે છે ? આશ્રમવાસીઓને કરોડોના બંગલા આપશે તો પણ અમે આશ્રમના મકાનો ખાલી કરીશું નહીં એમ આશ્રમવાસી શૈલેષ રાઠોડે જણાવ્યું હતું.