જોહાનિસબર્ગ, તા.૨૨
મેજબાન દક્ષિણ આફ્રિકાએ શુક્રવારે પોતાની ટી૨૦ ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી હાર ઝેલવી પડી. ઓસ્ટ્રેલિયાએ તેને ૧૦૭ રનથી હરાવ્યું. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વાન્ડર્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અનેક રેકોર્ડ થયાં. મેચના હીરો રહેલા એશ્ટન એગરે છ વિકેટ ઝડપી, જેમાં હેટ્રિક પણ સામેલ છે. ટી૨૦ ક્રિકેટમાં હેટ્રિક લેનારો તે ઓસ્ટ્રેલિયાનો બીજો ક્રિકેટર છે. આ જ રીતે દક્ષિણ આફ્રિકા આ મેચમાં માત્ર ૮૯ રન પર સમેટાઈ ગયું. આ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચમાં તેનો ન્યૂનતમ સ્કોર પણ છે.
ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે પહેલા બેટિંગ કરતા છ વિકેટ પર ૧૯૬ રન બનાવ્યા હતાં. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે ૪૫ અને એરોન ફિન્ચે ૪૨ રનની ઈનિંગ રમીને પોતાની ટીમને મજબુત સ્કોર બનાવવામાં મદદ કરી. એલેક્સ કેરીએ ૨૭, એશ્ટન એગરે ૨૦, મિશેલ માર્શે ૧૯ અને મેથ્યુ વેડે ૧૮ રન બનાવ્યાં. ડેવિડ વોર્નર ફક્ત ચાર રની કરીને આઉટ થઈ ગયો. દક્ષિણ આફ્રિકા તરફથી ડેલ સ્ટેન અને તબરેજ શમ્સીએ ૨-૨ વિકેટ લીધી.
મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મેજબાન ટીમ દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખુબ જ ખરાબ રહી. તેણે પોતાના ટોપ-૪ વિકેટ માત્ર ૪૦ રનનો સ્કોર બનાવવામાં ગુમાવી દીધી. ટીમનો મધ્યમ ક્રમ અને નીચલો ક્રમ પણ ઓસ્ટ્રિલેયાના આક્રમણ સામે ટકી શક્યો નહીં. પરિણામ એ આવ્યું કે આખી ટીમ ૧૪.૩ ઓવરમાં માત્ર ૮૯ રન બનાવીને આઉટ થઈ ગઈ. આફ્રિકી ટીમ તરફથી ફાફ ટુપ્લેસિસ (૨૪), કેગિસો રબાડા (૨૨) અને વાન બિજોન (૧૬) સિવાય કોઈ પણ બેટ્‌સમેન ડબલ ફિગર ક્રોસ કરી શક્યો નહીં.
ઓસ્ટ્રેલિયાએ આ જીત સાથે જ ત્રણ મેચોની ટી૨૦ સિરીઝમાં ૧-૦ની લીડ લઈ લીધી. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો સ્પિનર એશ્ટન એગર રહ્યો. તેણે ચાર ઓવરના પોતાના સ્પેલમાં ૨૪ રન આપીને ૫ વિકેટ લીધી. એગરે હેટ્રિક પણ પોતાના નામે કરી. તેણે આઠમી ઓવરમાં ફાફ ડૂ પ્લેસિસ, એન્ડિલે ફેહુલવાયો અને ડેલ સ્ટેનને ઉપરાછાપરી આઉટ કર્યા.
એશ્ટન એગર ટી૨૦ ઈન્ટરનેશનલ મેચમાં હેટ્રિક લેનારો દુનિયાનો ૧૩મો અને ઓસ્ટ્રેલિયાનો માત્ર બીજો ખેલાડી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોમાં આ અગાઉ માત્ર બ્રેટ લી જ આ ઉપલબ્ધિ મેળવી શક્યો હતો. બ્રેટ લી ટી૨૦ ઈન્ટરનેશનલ મેચમાં હેટ્રિક લેનારો દુનિયાનો પહેલો ખેલાડી પણ છે.