ન્યુઝીલેન્ડ ૨૯૯માં સમેટાયંુ, ભારત વિના વિકેટે ૧૮

ઇન્દોર,તા. ૧૦

ઇન્દોરના મેદાન ઉપર રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે ભારતના પ્રથમ દાવમાં ૫૫૭ રન દાવ ડિકલેરના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ તેના પ્રથમ દાવમાં ૨૯૯ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડ તરફથી ગુપ્ટિલેે ફોર્મ મેળવી લઇને ૭૨ રન કર્યા હતા જ્યારે લાથમે ૫૩ રન કર્યા હતા. જો કે, કેપ્ટન વિલિયમસન, ટેલર અને રોન્ચી સસ્તામાં પેવેલિયન ભેગા થતાં તેની તકલીફ યથાવત રહી હતી. ભારત તરફથી અશ્વિને ફરી એકવાર જોરદાર બોલિંગ કરીને ૮૧ રન આપીને છ વિકેટ ઝડપી હતી. ભારતે આજે રમત બંધ રહી ત્યારે તેના બીજા દાવમાં કોઇ વિકેટ ગુમાવ્યા વગર ૧૮ રન કર્યા હતા. ગૌત્તમ ગંભીર છ રન કર્યા બાદ રિટાયર્ડ હર્ટ થયો હતો. ભારત હવે ન્યુઝીલેન્ડ ઉપર ૨૭૬ રનની લીડ ધરાવે છે અને તેની ૧૦ વિકેટ હાથમાં છે તે જોતા આ ટેસ્ટ મેચમાં પણ ભારતની જીતવાની તકો રહેલી છે. ભારત આ ટેસ્ટ શ્રેણી ૩-૦થી જીતી લેવા માટે સજ્જ છે. ન્યુઝીલેન્ડ વિના વિકેટે ૨૮ રનથી આગળ રમતા આજે ૨૯૯ રનમાં ઓલાઉટ થઇ ગઇ હતું. અગાઉ ગઇકાલે બીજા દિવસે  ભારતે પાંચ વિકેટે ૫૫૭ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી ૨૧૧ રન કરીને આઉટ થયો હતો જેમાં ૨૦ ચોગ્ગાનો સમાવેશ થાય છે. રહાણે ૧૮૮ રન કરીને આઉટ થયો હતો. રહાણેએ ૧૮ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે આ રન બનાવ્યા હતા.  આ બંને વચ્ચે ચોથી વિકેટની ભાગીદારીમાં ૩૬૫ રનની ભાગીદારી થઇ હતી જે ચોથી વિકેટની ભાગીદારીનો નવો રેકોર્ડ છે. કોહલીએ બેવડી સદી કરીને ભારત તરફથી બે બેવડી સદી કરવાનો રેકોર્ડ સર્જ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી બોલ્ટ અને પટેલે બે-બે વિકેટ ઝડપી હતી. ભારત ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી પહેલાથી જ ૨-૦થી જીતી લીધી છે. સતત ત્રીજી ટેસ્ટ મેચ જીતીને ભારત ઇતિહાસ સર્જવા માટે સજ્જ છે. કોલકાતાના ઐતિહાસિક મેદાન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ ભારતે ન્યૂઝીલેન્ડ પર જીત મેળવીને ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી હતી. સાથે સાથે આ શ્રેણી પણ જીતી લીધી હતી. ભારતે બીજી ટેસ્ટ મેચ ૧૭૮ રને જીતી લીધી હતી. જ્યારે આ પહેલા કાનપુર ખાતેની પ્રથમ ટેસ્ટ મેચ ભારતે ૧૯૭ રને જીતી શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. બીજી ટેસ્ટમાં પણ સહાની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરાઈ હતી. ભારતે કોલકાતા ખાતે રમાયેલી ટેસ્ટ મેચ જીતીને ઘરઆંગણે સતત ૧૨મી ટેસ્ટ મેચ જીતી હતી. ગૌત્તમ ગંભીર રિટાયર્ડ હર્ટ થયા બાદ આને લઇને પણ ક્રિકેટ ચાહકોમાં આજે ચિંતાનું મોજુ રહ્યું હતું. લાંબા ગાળા બાદ તક મળ્યા છતાં તે પ્રથમ ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો હતો અને બીજી ઇનિંગ્સમાં રિટાયર્ડ હર્ટ થયો છે. તે હવે બેટિંગમાં આવશે કે કેમ તેને લઇને શંકા છે.

ભારત પ્રથમ દાવ : ૫૫૭ (૫ વિકેટે ડિક)

ન્યુઝીલેન્ડ પ્રથમ દાવ :

ગુપ્ટિલ રનઆઉટ              ૭૨

લાથમ કો એન્ડ

બો. અશ્વિન           ૫૩

વિલિયમસન

બો. અશ્વિન           ૦૮

ટેલર કો. રહાણે

બો. અશ્વિન           ૦૦

રોન્ચી કો. રહાણે

બો. અશ્વિન           ૦૦

નિશામ એલબી

બો. અશ્વિન           ૭૧

વેટલિંગ કો. રહાણે

બો. જાડેજા           ૨૩

સેન્ટનર કો. કોહલી

બો. જાડેજા           ૨૨

પટેલ રનઆઉટ  ૧૮

હેનરી અણનમ    ૧૫

બોલ્ટ કો. પુજારા

બો. અશ્વિન           ૦૦

વધારાના              ૧૭

કુલ(૯૦.૨ ઓવરમાં ઓલઆઉટ)૨૯૯

પતન : ૧-૧૧૮, ૨-૧૩૪, ૩-૧૪૦, ૪-૧૪૮, ૫-૧૪૮, ૬-૨૦૧, ૭-૨૫૩, ૮-૨૭૬, ૯-૨૯૪, ૧૦-૨૯૯

બોલિંગ : સામી : ૧૩-૧-૪૦-૦, ઉમેશ : ૧૫-૧-૫૫-૦, અશ્વિન : ૨૭.૨-૫-૮૧-૬, જાડેજા : ૨૮-૫-૮૦-૨, વિજય : ૭-૦-૨૭-૦