અમદાવાદ, તા.૧૬
રાજકોટ શહેરમાં યુનિવર્સિટી પોલીસ મથકમાં મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબાર અને અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ વચ્ચેના પ્રેમપ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે. રહસ્યમય બનાવમાં એફએસએલના રિપોર્ટ બાદ ઘણી બધી વાતો સ્પષ્ટ થઇ ગઇ છે. આ કેસમાં પોલીસની વધુ તપાસ દરમ્યાન બહાર આવેલી ચોંકાવનારી વિગતો મુજબ, ખુશ્બુએ પરિણીત પ્રેમી રવિરાજની હત્યા કરી પોતે ગોળી મારી લીધી હતી. ખુશ્બુ જયારે રવિરાજની સાથે હોય ત્યારે રવિરાજની પત્નીના ફોન આવે તો તેનાથી સહન થતું નહીં અને રવિરાજ સાથે આ મુદ્દાને લઇ વારંવાર ઝઘડો થતો હતો. બંને એકબીજાને મોબાઈલ પર પતિ-પત્ની તરીકે સંબોધતા હતા. બનાવની રાતે ત્રણ વાગ્યે રવિરાજે પત્ની પાસે જવાની વાત કરતા ખુશ્બુ ગુસ્સે ભરાઇ હતી અને ફાયરીંગ કરવાનું શરૂ કરી દીધું હતું. તારી પત્ની કેમ ફોન કરે છે તેમ કહી ખુશ્બુ રવિરાજ સાથે ઝઘડો કરતી હતી. કોઇ પણ ભોગે ખુશ્બુ રવિરાજને પોતાની સાથે રાખવા માંગતી હતી. વિવેક ખુશ્બને ધર્મ બહેન માનતો હતો. પિતાએ રવિરાજને સમજાવ્યો હતો અને પોતે સ્વૈચ્છિક નિવૃતિ લેવાના હતા. પરંતુ દીકરાના ગયા પછી હવે તેઓને નોકરી કરવી પડશે. રવિરાજ અને ખુશ્બુ વચ્ચે જ્યારે ઝઘડો થતો ત્યારે વિવેક કુછડીયા સમજાવતો હતો. છેલ્લા નવ મહિનાથી રવિરાજ અને ખુશ્બુ વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ વાતની ખુશ્બુના બેચ મેટ કુછડીયાને ખબર હતી. રવિરાજસિંહ, ખુશ્બુ કાનાબાર, વિવેક કુછડીયા અને તેના પત્ની ઘટનાનાં પંદર દિવસ પહેલા મુંબઇ તથા માથેરાન ફરવા પણ ગયા હતાં. તે વખતે રવિરાજસિંહના ફોનમાં તેના પત્નીનો ફોન આવતાં ખુશ્બુને ખુબ ગુસ્સો આવ્યો હતો અને ઝઘડો થયો હતો. એ વખતે બંનેને વિવેક કુછડીયાએ શાંત પાડ્‌યાં હતાં. આમ ખુશ્બુને એ જરાપણ ગમતું નહીં કે જ્યારે રવિરાજસિંહ પોતાની સાથે હોય ત્યારે તેના પત્નીનો ફોન આવે. એફએસએલ રિપોર્ટમાં ખુશ્બુએ પહેલા રવિરાજને ગોળી મારીને તેના જ ખોળામાં માથું મૂકીને આત્મહત્યા કરી હતી. રાજકોટ ઝોન-૨ના ડીસીપીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ખુશ્બુ અને રવિરાજ વચ્ચે ૯ મહિનાથી પ્રેમસંબંધ હતો. ૧૫ દિવસ પહેલા જ તેઓ ફરવા માટે મુંબઈ ગયા હતા. બંને એકબીજાને મોબાઈલ પર પતિ-પત્ની તરીકે સંબોધતા હતા. ખુશ્બુ અને રવિરાજ રોજ મળતા અને મોડીરાત સુધી મોબાઈલ પર ચેટિંગ પણ કરતા. તેઓ રોજ એક સાથે જમતા. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો પણ એકબીજા સાથે રોજ બોલાચાલી અને તકરાર પણ થતી હતી. મુંબઈ ફરવા ગયા ત્યારે પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. રવિરાજ ખુશ્બુને આર્થિક મદદ પણ કરતો હતો. જો કે, બંનેના મોત વચ્ચેનો સમયગાળો હજુ સુધી જાણી શકાયો નથી. પોલીસ હજુ આ કેસમાં સઘન તપાસ જારી રાખી વધુ વિગતોનો ખુલાસો આગામી દિવસોમાં કરે તેવી શકયતા છે.