(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
શહેરના કડોદરા પોલીસ મથકે પંદર દિવસ પહેલા બળાત્કાર તથા પોસ્કો એક્ટ હેઠળ નોંધાયેલ ગુનામાં ઝડપાયેલા યુવકને પોલીસ રિમાન્ડ દરમિયાન વાપીના એક ફ્લેટ ખાતે તપાસ હેઠળ લઇ જવાયો હતો. જ્યાં યુવકે કુદરતી હાજતે જવાનું કહીને સંડાસમાં પડેલ એસીડ ભરેલ બોટલમાંથી એસીડ ગટગટાવી લેતા વાપી બાદ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે. સિવિલ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુાર મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલ કડોદરા તાતીથૈયા વિસ્તારમાં રહેતો મનોહરલાલ મહેશ્રી ઉ.વ.ર૩ વિરુધ્ધ કડોદરા પોલીસ મથકે બળાત્કાર તથા પોસ્કો હેઠળ ગુનો નોંધાયો હતો. કડોદરા પોલીસે દિનેશની ધરપકડ કર્યા બાદ ત્રણ દિવસના રિમાન્ડ હેઠળ વાપી ખાતે આવેલા દ્વારકાધીશ કોમ્પલેક્ષમાં આવેલા એક ફ્લેટ ખાતે તપાસ અર્થે લઇ જવાયો હતો. જ્યાં દિનેશ પોલીસને કુદરતી હાજતે જવાનું કહીને સંડાસમાં ગયો હતો. જ્યાં સંડાસમાં એસીડ ભરેલી બોટલમાંથી એસીડ ગટગટાવી લેતા પોલીસ ટીમ તાત્કાલીક સારવાર અર્થે વાપીની એક હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે ૧૮ ઓક્ટોબરના દિવસે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો.જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.