(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૩૦
શહેર પોલીસ તંત્ર દ્વારા માથાભારે તત્વોનો પ્રજામાં ખોફ દૂર કરવા માટે આરોપીઓના તેઓના વિસ્તારમાં વરઘોડા કાઢવામાં આવી રહૃાા છે. આજે રાવપુરા પોલીસે નવાપુરા વિસ્તારમાં દારૂ, જુગાર, મારામારી, ખંડણી જેવા અનેક ગુનામાં સંડોવાયેલા માથાભારે અસલમ બોડીયાનો નવાપુરા વિસ્તારમાં હાથે દોરડા બાંધી વરઘોડો કાઢ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર રાવપુરા પોલીસે રવિવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન અકોટા બ્રિજ ઉપરથી નવાપુરા મહેબુબપુરામાં રહેતા માથાભારે અસલમ હૈદરમીયાં શેખ ઉર્ફ અસલમ બોડીયાની દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો. રાવપુરા પોલીસે પણ રવિવારે રાત્રે દારૂપીધેલી હાલતમાં ઝડપાયેલા અસલમ બોડીયાનો તેનાજ વિસ્તારમાં હાથમાં દોરડા બાંધીને વરઘોડો કાઢ્યો હતો. પોલીસે વરઘોડો કાઢતા અસલમ બોડીયો તેના વિસ્તારમાં નીચું માથું કરીને ફર્યો હતો. અસલમ બોડીયાની પોલીસે કરેલી હાલતને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાંક દિવસથી સમાજ માટે લાંછનરૂપ એવા તત્વોને ઝડપી પાડી તેઓના વરઘોડા કાઢવાનું શરૂ કર્યું છે. અગાઉ કારેલીબાગ પોલીસે ભૂમાફીયા યુસુફ કડીયા સહિત ૩ આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. તે બાદ વાઘોડિયાના ભાજપાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના જમાઇ ઉપર હુમલો કરનાર રિક્ષાચાલક ભરવાડોનો વરઘોડો કાઢ્યો હતો. તે બાદ આજે રાવપુરા પોલીસે નવાપુરા વિસ્તારના માથાભારે અસલમ બોડીયાનો તેનાજ વિસ્તારમાં વરઘોડો કાઢતા ચકચાર મચી ગઇ હતી.
રાવપુરા પોલીસ મથકના પી.આઇ. બી.જી. ચેતરીયાએ જણાવ્યું હતું કે, માથાભારે શખ્સોનો વરઘોડો કાઢવા પાછળનો હેતું એ છે કે, તેઓએ તેમના વિસ્તારમાં જમાવેલી ધાક લોકોમાંથી દૂર થાય છે. અસલમ બોડીયા સામે મારામારી, ખંડણી, દારૂ જેવા અને કેસો થયેલા છે. આ પ્રવૃત્તિઓ દ્વારા તેણે પોતાના વિસ્તારમાં ધાક જમાવી રાખી છે. લોકોના મનમાંથી ડર દૂર થાય તે માટેજ અસલમ બોડીયાનો તેનાજ વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો.
વડોદરામાં માથાભારે શખ્સ અસલમ બોડિયાનો પોલીસે વરઘોડો કાઢ્યો

Recent Comments