(એજન્સી) તા.૮
મંગળવારે વિપક્ષના વિરોધ વચ્ચે સરકારે લોકસભામાં સિટીઝનશીપ બિલ પસાર કર્યો હતો. આ બિલના વિરોધમાં ઓલ આસામ સ્ટુન્ડટ્‌સ યુનિયન (આસુ) ઉપરાંત ૩૦ અન્ય સંગઠનોએ મંગળવારે આસામમાં ૧૧ કલાકના બંધનો આદેશ આપ્યો હતો. આ આદેશના કારણે મંગળવારે સવારે પાંચ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધી બંધ પાળવામાં આવ્યો હતો. બીજી તરફ આ બિલના વિરોધમાં ત્રિપુરાના આદિવાસી વિસ્તારોમાં નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટસ ઓર્ગેનાઈઝેશન (એનઈએસઓ)ના સમર્થકો અને પોલીસ વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી બે લોકોને ગોળી વાગી હતી. આસામની રાજધાની ગુવાહાટીમાં લોકોએ આ બિલનો વિરોધ કર્યો હતો તેમજ આસુ અને સિવિલ સોસાયટી સમૂહોએ દેખાવો કર્યા હતા. આ દેખાવો દરમિયાન એનડીએ સરકાર વિરૂદ્ધ કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. સોમવારે આ બિલના વિરોધમાં આસામ ગણ પરિષદે એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો હતો. આ બિલના વિરોધમાં ભાજપ પ્રવક્તા મહેંદીઆલમ બોરાએ પણ રાજીનામું આપ્યું હતું.