(એજન્સી) ગુવાહાટી, તા. ૧૭
આસામ વિધાનસભામાં વિપક્ષના નેતા અને આસામ કોંગ્રેસના નેતા દેબબ્રતા સાઇકિયાએ મુખ્યમંત્રી સર્બનંદા સોનોવાલને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે, ગયા મહિને અંતિમ નાગરિક યાદી બહાર પડાયા બાદ અન્ય રાજ્યોમાં આસામના લોકોને હેરાન કરવામાં આવે છે. સાઇકિયાએ પત્રમાં લખ્યું છે કે, હું તમારૂ ધ્યાન દોરવા માગું છું કે, અંતિમ એનઆરસીની જાહેરાતને પગલે મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર આસામના પ્રવાસીઓને ચોક્કસ પાડોશી રાજ્યોમાં હેરાન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ લોકોને મેઘાલય, નાગાલેન્ડ, અરૂણાચલપ્રદેશ અને મિઝોરમમાં હેરાનગતિ થાય છે. દેબબ્રતાએ પોતાના પત્રમાં લખ્યું કે, અહેવાલો અનુસાર આ રાજ્યોના ચોક્કસ વિદ્યાર્થી સંગઠનો જે તે રાજ્યોના પોલીસ દળોના સહયોગથી રાજ્યમાં પ્રવેશ માટે પ્રાથમિક શરત તરીકે અંતિમ એનઆરસીમાં સામેલ કરવાના તેમના દસતાવેજો આસામના પ્રવાસીઓ પાસે માગે છે. ૩૧ ઓગસ્ટે અંતિમ યાદી બહાર પડાયા બાદ છેલ્લા બે અઠવાડિયામાં મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડમાંથી આસામના લોકોને પરત મોકલાયા હોવાના મીડિયા અહેવાલ મળી રહ્યા છે. ઉદાહરણ તરીકે મેઘાલયના મુખ્યમંત્રીએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે, એનઆરસીમાં સમાવેશ અંગેના દસ્તાવેજો પુરા પાડી શકતા ન હોવાથી મેઘાલયમાંથી આસામના ૨૨૩ લોકોને બહાર કરી દેવાયા છે. અત્યારસુધી યોગ્ય સંબંધિત ડેટા લોકો સુધી પહોંચ્યા નથી અને પાડોશી રાજ્યોમાં આ અલગ પ્રકારની સ્થિતિની અપેક્ષા રાખી શકાય તેમ નથી. તેમણે પત્રમાં ઉમેર્યું કે, સૌથી પહેલા એ જાણી લેવું જોઇએ કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી દીધી છે કે એનઆરસીમાંથી બાકાત રખાયેલા લોકોને વિદેશી માની લેવાતા નથી. ઉલ્લેખનીય છે કે એનઆરસીની યાદીમાથી આશરે ૧૯ લાખ લોકોને બાકાત રખાયા છે.
નાગરિક યાદીમાંથી બહાર કરાયેલા લોકોને આસામ બહાર હેરાન કરાય છે : કોંગ્રેસ

Recent Comments