(એજન્સી) આસામ, તા.પ
ભાજપ સાંસદ રામપ્રસાદ શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આસામમાં ભાજપ સરકાર સવાલો વચ્ચે ઘેરાઈ છે. સાંસદ રામપ્રસાદ શર્માએ બુધવારે એક સ્થાનિક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રાજ્યના સિંચાઈ મંત્રી રણજીત દત્તા પર આરોપ લગાવ્યો કે તે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાની અવેજમાં ૧૦ ટકા કમિશનની લાંચ લે છે. પક્ષના સાંસદે મુકેલા આરોપો અંગે ચર્ચા કરવા માટે શનિવારના રોજ તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. સીએમ સર્બાનંદ સોનોવાલે સાંસદને પુરાવાઓ સાથે પોતાના દાવાની રજૂઆત કરવા કહ્યું છે. સાથે જ કહ્યું કે, સાંસદ વિરૂદ્ધ આવા પુરાવા મળે તો તેમની વિરૂદ્ધ પણ કડક પગલાં લેશે.
સીએમ સોનેવાલે કહ્યું કે, અમારી સરકાર ભ્રષ્ટાચારને સાંખી નહીં લે. તેમની પાસે કોઈ પુરાવા હોય તો તે રજૂ કરે. અમે તેમની વિરૂદ્ધ સખત પગલાં લઈશું. જો મુખ્યમંત્રી વિરૂદ્ધ પણ કોઈ પુરાવો હોય તો તેમની વિરૂદ્ધ પણ સખત કાર્યવાહી કરીશું. ઉલ્લેખનીય છે કે સાંસદ શર્માએ ગત મંગળવારે એક સ્થાનિક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે રાજ્યના કેટલાક મંત્રીઓ લાંચ લે છે તેમાંથી રણજીત દત્તા વિશે તેમને પૂરી માહિતી છે કે તેઓ લાંચ લે છે. મારા એક પરિચિત વ્યકિતએ તેમને ૧૦ ટકા કમિશન આપીને કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. રાજ્યમાં અન્ય કેટલાક મંત્રીઓ પણ લાંચ લે છે. જો કે મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ ભ્રષ્ટ નથી તેમણે ચોક્કસ પણે આરોપોની તપાસ કરાવી જોઈએ. અમે જનતાને ભ્રષ્ટાચાર મુક્ત સરકારનું વચન આપીએ છીએ. બીજી બાજુ દત્તાએ આ આરોપોને પાયા વિહોણા ગણાવતા કહ્યું કે તથ્યોે વિના નિવેદન આપવા સાંસદની આદત છે. તેમના આ નિવેદને પક્ષ અને સરકારની છબિને પ્રભાવિત કર્યા છે હું તેમની વિરુધ્ધ પહેલા પણ ભાજપના રાજ્ય એકમમાં ફરિયાદ કરી ચૂકયો છું. તેમના આરોપો નિરાધાર છે મને વિશ્વાસ છે કે પક્ષ તેમની વિરુધ્ધ સખત પગલાં લેશે.