(એજન્સી)
નવી દિલ્હી,તા.૨૮
સરકારે બુધવારે રાજ્યસભામાં એવી માહિતી આપી કે આસામના છ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા આશરે ૧૦૦૦ વિદેશીઓમાંથી ૨૮ લોકો ડિટેન્શન સેન્ટર કે હોસ્પિટલોમાં મૃત્યુ પામ્યા છે. રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક લેખિત પ્રશ્નનો જવાબ આપતા રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું કે ૨૦૧૬થી ૨૦૧૯ની ૧૩મી ઓક્ટોબર દરમિયાન ડિટેન્શન સેન્ટર કે હોસ્પિટલોમાં ૨૮ અટકાયતીઓનાં મોત થયા છે. તેમણે એવું પણ કહ્યું કે આસામ સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ૨૦૧૯ની ૨૨મી નવેમ્બરે આસામના છ ડિટેન્શન સેન્ટરમાં ૯૮૮ વિદેશીઓને રાખવામાં આવ્યા હતા. રાયે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યા મુજબ ડિટેન્શન સેન્ટર્સ મેડિકલ કેર સંબંધિત સુવિધાઓ સહિત પાયાની બધી જ સુવિધાઓથી સુસજ્જ છે. પ્રધાને જણાવ્યું કે ડિટેન્શન સેન્ટર્સમાં રાખવામાં આવેલા અટકાયતીઓને ભોજન, વસ્ત્રો, અખબારો, દરેક વોર્ડમાં ટીવીની સુવિધાઓ, સ્પોટ્‌ર્સની સુવિધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, લાયબ્રેરી, યોગ, મેડિટેશનની સુવિધાઓ વિગેરે જેવી મૂળભૂત સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. તેમણે એવું પણ કહ્યું કે દરેક ડિટેન્શન સેન્ટરમાં મેડિકલ સ્ટાફ સાથે ઇન્ડોર હોસ્પિટલની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે અને નિયમીત રીતે અટકાયતીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે.