(એજન્સી) ગુવાહાટી, તા.૧૦
લોકસભામાં ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સુધારા બિલ પસાર કરાયું હતું. આજે આ બિલના વિરોધમાં આસામમાં વ્યાપક વિરોધો થયા હતા. વિવિધ સંગઠનો જેમાં ઓલ આસામ સ્ટુડન્ટ્‌સ યુનિયન (એએએસયુ) પણ સામેલ હતું. એમણે વિરોધ પ્રદર્શનો કરી બિલને ગેરબંધારણીય અને કોમવાદી ગણાવ્યું હતું. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન મોદી, અમિત શાહ, આસામના મુખ્યમંત્રી સોનોવાલ, હિમંતા બિસવા શર્મા અને આસામ ત્રણ પરિષદના નેતાઓની નનામીઓ બાળી હતી. ગુવાહાટીમાં અમુક કોલેજોના વિદ્યાર્થીઓ, એએએસયુના કાર્યકરો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા અને બિલ સામે વિરોધો કર્યા હતા અને રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ સૂત્રો પોકાર્યા હતા. પ્રદર્શનકારીઓએ ટાયરો બાળી રસ્તાઓ પણ બ્લોક કર્યા હતા. ગુવાહાટી ઉપરાંત જોરહટ, સિવાસાગર, નાગાંવ, ડિબ્રુગઢ, લમીખપુર, ધેમાજી, મોરીગાંવ, કામરૂપ, કલિઆબોર, બિસ્વનાથ અને રાજ્યના અન્ય સ્થળોએ પણ પ્રદર્શનો યોજાયા હતા. સ્થાનિક નિવાસીઓ કહી રહ્યા છે કે, અમને આ બિલની જરૂર નથી, આ બિલ અમારી ભાષા, સાંસ્કૃતિને નાશ કરશે. ભાજપ સરકાર હિન્દુ બાંગ્લાદેશીઓને નાગરિકતા આપી રહી છે જેથી એમની મતબેંક મજબૂત થાય. અમે કયારે પણ આ બિલ સ્વીકારીશું નહીં. અમને હિન્દુ બાંગ્લાદેશીઓની જરૂર નથી, અમે એમને ઓળખતા નથી પણ હવે એ અમારા મહેમાન બની આવશે અને અમારી સંપત્તિ જમીન છીનવી લેશે.